નાની ઉંમરે મોટી સફળતા અને બાળપણમાં જ એવરેસ્ટ ચડવાનું અદમ્ય સાહસ ધરાવતી ગુજરાતની દીકરી સામ્યા પંચાલ
**
માત્ર 9 વર્ષની નાની ઉંમરે 17,598 ફૂટની ઊંચાઈએ આવેલા ‘એવરેસ્ટ બેઈઝ કેમ્પ’ને સર કરવાની સિદ્ધિ મેળવનાર ગુજરાતની એકમાત્ર દીકરી સામ્યા પંચાલ

સામ્યા પંચાલને ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત અમદાવાદ
જિલ્લામાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. સામ્યાએ માત્ર 9
વર્ષની વયે 17,598 ફૂટની ઊંચાઈએ આવેલા માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પર ગૌરવપૂર્વક ત્રિરંગો
ફરકાવ્યો હતો.

સામ્યા નાની ઉંમરે ‘એવરેસ્ટ બેઈઝ કેમ્પ’ને સર કરવાની સિદ્ધિ મેળવનાર ગુજરાતની
એકમાત્ર દીકરી છે. તેણે આ સિદ્ધિ પોતાના અદમ્ય સાહસ, કુશળતા અને મહેનતના આધારે પ્રાપ્ત
કરી છે. સામ્યાએ માઇનસ 20 ડિગ્રી સેલ્સયસ ઠંડીનો સામનો કરી, 5,364 મીટરની ઊંચાઈએ
એવરેસ્ટ બેઝ કેમ્પ પર યોગ કરીને પણ એક રેકોર્ડ બનાવ્યો છે.

તાજેતરમાં રાજ્ય સરકારના મહિલા અને બાળ વિભાગ મંત્રી શ્રીમતી ભાનુબહેન
બાબરિયાના હસ્તે ગાંધીનગર ખાતે આયોજિત રાજ્ય કક્ષાના જિલ્લા ચેમ્પિયનોના ત્રણ દિવસીય
તાલીમ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાની ચેમ્પિયન થયેલ દીકરી સામ્યા પંચાલને પ્રમાણપત્ર અને
શિલ્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. તેની અમદાવાદ જિલ્લાની લોકલ ચેમ્પિયન
તેજસ્વિની તરીકે પસંદગી કરવામાં આવી હતી.

આ સિવાય પણ સામ્યાને વિવિધ પુરસ્કાર અને સિદ્ધિ પ્રાપ્ત થયા છે, જેમાં ઇન્ડિયા વર્લ્ડ
રેકોર્ડ તરફથી ‘ગુજરાતની સૌથી નાની ઉંમરની પર્વતારોહક’નો એવોર્ડ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી
જગદીશભાઈ વિશ્વકર્મા તરફથી ‘વિશ્વકર્મા રત્ન એવોર્ડ, 2022’, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકારનો રાજય પર્વતારોહણ પુરસ્કાર,
2022 પ્રાપ્ત થયાં છે.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લામાં સામ્યાને
‘બેટી બચાવો, બેટી પઢાવો’ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે.
સામ્યા પંચાલનું નામ તેના માતા-પિતા દ્વારા ખૂબ જ સમજદારીપૂર્વક આપવામાં આવ્યું છે.
સામ્યાનો અર્થ ‘ઊંચાઈ’ થાય છે અને ગુજરાતની આ બાહોશ દીકરીએ ‘ગુજરાતની સૌથી નાની
ઉંમરની પર્વતારોહક’ બની એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે.
સામ્યાને શિક્ષણ અને કૌશલ્યમાં પહેલેથી જ રસ હતો. ધોરણ 6માં અભ્યાસ કરતી સામ્યા
યોગ, જિમ્નાસ્ટિક, પર્વતારોહક તરીકેનો અનુભવ ધરાવે છે. માત્ર 6 વર્ષની વયે 10 હજાર ફીટ ઊંચો
મનાલીમાં આવેલો ટ્રેક પણ તેણે પૂર્ણ કર્યો છે. 17,600 ફૂટની ઊંચાઈએ સાગરમાથાના ખોળામાં તેણે
ગૌરવપૂર્વક ત્રિરંગો ફરકાવ્યો હતો અને ગુજરાતની ‘સૌથી યુવા પર્વતારોહક’નું બિરુદ મેળવી ખૂબ
જ નાની ઉંમરે મોટી સફળતા મેળવી છે.
સામ્યા આ સિદ્ધિ પાછળનો સંપૂર્ણ શ્રેય યોગને આપે છે. માત્ર 4 વર્ષની વયથી જ યોગાભ્યાસ
થકી સામ્યાએ આ અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સામ્યાનું સપનું છે કે તે દક્ષિણ અમેરિકાનું સૌથી
ઊંચું શિખર માઉન્ટ એકોન્કાગુઆ, જેની ઊંચાઈ 6,961 મીટર છે, અને જે હિમાલય પર્વતમાળા
બહાર દુનિયાનું સૌથી ઊંચું શિખર છે, તેને હાંસલ કરનારી દુનિયાની સૌથી નાની ઉંમરની
પર્વતારોહક દીકરી બની એક વિશ્વ રેકોર્ડ બનાવે.
સામ્યાને પર્વતારોહણનો જુસ્સો ગળથૂંથીમાં મળ્યો છે. સામ્યાના પિતાને પર્વતારોહણનો
મજબૂત અનુભવ છે. તેઓ 7માંથી 3 મહાખંડોના સૌથી ઊંચા શિખર સર કરી ચૂકયા છે. જ્યારે
સામ્યા તેના માતાના પેટમાં પાંચ મહિનાની હતી, ત્યારે જ તેના પિતા દક્ષિણ અમેરિકાનું સૌથી ઊંચું
શિખર સર કરવા ગયા હતા. આશા રાખીએ સામ્યા તેના સાહસ અને કૌશલ્યના આધારે ભવિષ્યમાં
ઘણા પડાવો પાર કરશે અને ગુજરાત રાજ્ય સાથે સમગ્ર ભારત દેશનું નામ રોશન કરશે.
