Breaking News

Emergency review meeting held at State Emergency Operation Center following rain forecast in Gujarat How Dare You? Ajit Pawar's Heated Exchange With Woman IPS Officer Over Excavation cm-bhupendra-patel-interacted-with-students-on-teachers-day-celebrations Dialogue meeting with diplomats and heads of missions in Delhi concluded in the presence of Bhupendra Patel National Book Read Day 2025

દક્ષિણામાં પ્રાકૃતિક ખેતીનું વચન માંગતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી


રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજથી બે દિવસની બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે. આજે પ્રથમ દિવસે રાજ્યપાલશ્રીએ સરહદી વિસ્તાર સૂઇગામ તાલુકાના સીમાવર્તી ગામો પાડણ, ભરડવા અને સૂઈગામની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતી અંગે ગ્રામજનો સાથે સંવાદ કરી ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ખેડુતોના પ્રશ્નો સાંભળી તેમણે સમસ્યાઓના નિવારણ માટે વહીવટીતંત્રને જરૂરી આદેશો કર્યા હતા.

સીમાવર્તી ગામોની મુલાકાત અંતર્ગત ગામલોકો સાથેના સંવાદમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રસન્નતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, કોઈ રાજ્યપાલે આ વિસ્તારની મુલાકાત લીધી હોય એવું ભાગ્યે જ બન્યું હશે. . તેમણે કહ્યું કે, ગયા વર્ષે આ રીતે તેમણે કચ્છ જિલ્લાના સીમાવર્તી ગામોની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એ પરત્વે આનંદ વ્યક્ત કરીને કહ્યું હતું કે, સરહદી વિસ્તારના ગામોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સરહદનું રક્ષણ કરતા અન્નદાતાઓની મુશ્કેલીઓ જાણવી જોઈએ, અને તેના નિવારણ માટે પ્રયત્નો કરવા જોઈએ.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન ઉપાડવામાં આવ્યું છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતીનું માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, રાસાયણિક ખાતરના વપરાશને લીધે જમીનમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે, ત્યારે જમીનના પોષક તત્વો ટકાવી રાખવા માટે પ્રાકૃતિક ખેતી માટે અનિવાર્ય એવા જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની પધ્ધતિ, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રની ઉપયોગીતા, સૂક્ષ્મ જીવાણુની અનિવાર્યતા અને આચ્છાદનના મહત્વ વિશે લોકોને વિગતવાર માહિતી આપી હતી. તેમજ રાસાયણિક ખાતર અને જીવામૃત-ઘન જીવામૃતની તુલના અને ભૂમિ માટે જરૂરી ઓર્ગેનિક કાર્બનના જતનની જવાબદારી વિશે તેમણે લોકોને અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી કૃષિ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે, મહેનત ઓછી થશે, ખેત ઉત્પાદન વધશે અને પરિણામે ખેતીની આવક બમણી નહીં, ત્રણ ગણી થશે એમ જણાવી તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિધ્ધાંતો તથા ખેડૂતોએ વધારાના કોઈપણ પ્રકારના ઇનપુટની બજારમાંથી ખરીદી કર્યા સિવાય માત્ર એક જ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી 30 એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકાય અને તેનાથી થતા લાભો બાબતે સરહદી ગામોના લોકોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એમ જણાવી તેમણે કહ્યું કે, હાલ ખેતીમાં વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના ઉપયોગના કારણે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય ઉપર તેની ગંભીર અસરો જોવા મળી રહી છે. સમગ્ર જીવસૃષ્ટિ પર તેનો દુષ્પ્રભાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ પ્રાકૃતિક ખેતી છે. રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાના ઉપયોગ વિનાની ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવી આવતીકાલની પેઢીને સુખી, સમૃદ્ધ જીવનની ભેટ આપવા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

બોક્ષ:-

દક્ષિણામાં પ્રાકૃતિક ખેતીનું વચન માંગતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

સરહદી વિસ્તાર સુઈગામ તાલુકાના પાડણ, ભરડવા અને સુઇગામની મુલાકાત દરમિયાન લોક સંવાદ કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ લોકો પાસેથી દક્ષિણામાં પ્રાકૃતિક ખેતીનું વચન માંગ્યું હતું.

રાજ્યપાલશ્રીની મુલાકાત પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી, સાંસદશ્રી પરબતભાઇ પટેલ, કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, BSF ના કમાન્ડન્ડશ્રી અહલાવત સહિત ઉચ્ચ અધિકારીઓ, આગેવાનો અને ગ્રામજનો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
000000

રાજ્યપાલશ્રી આવતીકાલે આ 3 ગામોની મુલાકાત લેશે

રાજ્યપાલશ્રી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તાર નજીક આવેલા સૂઇગામ તાલુકાના પ્રવાસે છે, ત્યારે તેમની મુલાકાતના બીજા દિવસે એટલે આવતીકાલ તા.૩૧.૦૫.૨૦૨૩, બુધવારના રોજ બોરૂ, મસાલી અને માધપુરા ગામની મુલાકાત લઇ આ ગામોના પ્રજાજનો, અગ્રણીઓ, દૂધ મંડળીઓના સભ્યો, પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડુતો અને મહિલા પશુપાલકો સાથે વાર્તાલાપ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: