Breaking News

કૉન્સોર્શિયમ  ફૉર એજ્યુકેશનલ કૉમ્યુનિકેશન (CEC), નવી દિલ્હી દ્વારા ગુજરાત યુનિવર્સિટીના એજ્યુકેશનલ મીડિયા રિસર્ચ સેન્ટર (EMRC) ના સહયોગથી અમદાવાદમાં આયોજિત ૧૫ મા પ્રકૃતિ આંતરરાષ્ટ્રીય ડૉક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલનો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા શુભારંભ : ગુજરાત યુનિવર્સિટીના શ્યામાપ્રસાદ મુખર્જી ઑડિટોરિયમમાં તા. ૩૦ ઑક્ટોબર સુધી ચાલશે

મનુષ્યની પ્રકૃતિ પોઝિટિવ થઈ જશે, તો ધરતીની પ્રકૃતિ પણ પોઝિટિવ થઈ જશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે અમદાવાદમાં ૧૫ મા પ્રકૃતિ આંતરરાષ્ટ્રીય ડૉક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. પર્યાવરણ, વિકાસ, માનવ અધિકાર અને સ્વચ્છ ભારત વિષય પર આધારિત ડૉક્યુમેન્ટરી ફિલ્મોના ફેસ્ટિવલને ખુલ્લો મુકતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પૃથ્વી, વાયુ, જળ, આકાશ અને અગ્નિ; પ્રકૃતિના આ પાંચ તત્વોથી બનેલા આપણા શરીરના સ્વાસ્થ્ય પર પ્રકૃતિની સીધી અસર છે. પ્રકૃતિ જેટલી સુરક્ષિત, સંયમિત અને નિયંત્રિત એટલું આપણું શરીર સ્વસ્થ, નિરોગી અને નિયંત્રિત. પ્રકૃતિનું જતન-સંવર્ધન કરીએ, પ્રકૃતિ જ વિશ્વશાંતિનો આધાર છે.

કૉન્સોર્શિયમ  ફૉર એજ્યુકેશનલ કૉમ્યુનિકેશન (CEC), નવી દિલ્હી દ્વારા ગુજરાત યુનિવર્સિટીના એજ્યુકેશનલ મીડિયા રિસર્ચ સેન્ટર (EMRC) ના સહયોગથી આયોજિત ૧૫મો પ્રકૃતિ આંતરરાષ્ટ્રીય ડૉક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલ ગુજરાત યુનિવર્સિટીના શ્યામાપ્રસાદ મુખર્જી ઑડિટોરિયમમાં તા. ૩૦ ઑક્ટોબર સુધી ચાલશે. આ ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલનું દીપ પ્રગટાવીને શુભારંભ કરાવતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા’ આહ્વાનથી પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં નવા પરિમાણો ઉમેરાયા છે. ડિજિટાઇઝેશન સમયની માંગ છે ત્યારે CEC, નવી દિલ્હી યુવા પેઢી માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે. સમગ્ર ભારતમાં ૨૧ EMRC ધરાવતા CEC પાસે ૧૨ ક્ષેત્રિય ભાષાઓમાં ડિજિટલ પાઠ્યક્રમ ઑનલાઇન ઉપલબ્ધ છે.

મનુષ્યની પ્રકૃતિ-સ્વભાવ હકારાત્મક, કલ્યાણકારી અને કરુણામય હશે, તો ધરતી પર સ્વર્ગની અનુભૂતિ થશે. એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, મનુષ્યની પ્રકૃતિ-સ્વભાવ બદલવા કઠિન છે, પણ જો મન-સ્વભાવ-પ્રકૃતિ બદલાઈ જાય તો ધરતીની પ્રકૃતિનું પણ જતન-સંવર્ધન થશે  મનુષ્યએ પ્રકૃતિ સાથે કરેલી છેડછાડનું પરિણામ એટલે ગ્લોબલ વૉર્મિંગ. જો મનુષ્ય હજુ પણ નહીં સુધરે તો ગંભીર દુષ્પરિણામો ભોગવવા પડશે. પ્રકૃતિ એ ઈશ્વરીય વ્યવસ્થા છે. મનુષ્ય પોતાના પ્રકૃતિ-સ્વભાવથી પ્રકૃતિનું ઉત્થાન પણ કરી શકે છે અને વિનાશ પણ કરી શકે છે. ‘ સર્વે ભવન્તુ સુખીન:’ ની ‘સંસ્કૃતિમાં આસ્થા ધરાવતા આપણે આખી દુનિયા સુખી રહે, આનંદમાં રહે એવી કામના કરીએ છીએ. જો મનુષ્યની પ્રકૃતિ સકારાત્મક અને કરુણામય હશે તો આ વિશ્વમાં આતંકવાદ, ખૂન-ખરાબા કે એટમબોમ્બનું અસ્તિત્વ જ નહીં રહે. ડૉક્યુમેન્ટરી ફિલ્મના માધ્યમથી મનુષ્યની પ્રકૃતિ બદલવાના પ્રયત્નની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે, જો મનુષ્યની પ્રકૃતિ પોઝિટિવ થઈ જશે, તો ધરતીની પ્રકૃતિ પણ પોઝિટિવ થઈ જશે.

શુભારંભ સમારોહમાં ઈ.એમ.આર.સી., અમદાવાદ દ્વારા તૈયાર કરાયેલી પ્રાકૃતિક કૃષિ વિષયક ડોક્યુમેન્ટરી ફિલ્મનું પણ સ્ક્રિનિંગ કરાયું હતું.

૧૫ મા પ્રકૃતિ ઈન્ટરનેશનલ ડૉક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ધાટન પ્રસંગે સી.ઈ.સી., નવી દિલ્હીના ડાયરેક્ટર શ્રી પ્રો. જગત ભૂષણ નડ્ડાએ કહ્યું હતું કે, આ ફેસ્ટિવલ ફિલ્મ નિર્માતાઓ તથા યુવાઓમાં પર્યાવરણ, માનવ અધિકાર, વિકાસ તથા સ્વચ્છતાને લગતા જુદા જુદા મુદ્દાઓને ઉજાગર કરવા તથા તેને લગતા પ્રશ્નોના નિરાકરણ અને લોક જાગૃતિ માટે ફિલ્મો માધ્યમ તરીકે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. સૌ પ્રથમ ૧૯૯૭માં શરુ થયેલા અને રાષ્ટ્રીય કક્ષા સુધી સીમિત તેવા આ ફિલ્મ ફેસ્ટિવલની યાત્રા આજે આંતરરાષ્ટ્રીય ફલક સુધી પહોંચી છે. આ વર્ષે ફેસ્ટિવલ માટે ૭૪ એન્ટ્રી આવી હતી, જેમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ જેવા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોનો પણ સમાવેશ થયો છે.

આ અવસરે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સુશ્રી ડૉ. નીરજા ગુપ્તાએ કહ્યું કે, પ્રકૃતિ એ છે જે આપણને બનાવે છે. પ્રકૃતિના જતન માટે આ પ્રકારના ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ખૂબ જ ઉપયોગી છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. પ્રકૃતિ સાથે જોડાવું આપણા સૌની એક જવાબદારી છે. આપણે સૌ બાહ્ય પ્રકૃતિની રક્ષા નથી કરી શકતા તો આપણામાં એક ઉદાસી આવી જાય છે. આમ આપણે પ્રકૃતિને માત્ર શબ્દોમાં ઢાળવાનો પ્રયાસ કરીશું તો પ્રકૃતિ વિનાશ તરફ દોરી જશે.

સ્વાગત પ્રવચનમાં ઈ.એમ.આર.સી., અમદાવાદના ઇન્ચાર્જ નિયામક શ્રી નરેશ દવેએ ઈ.એમ.આર.સી.ની કેટલીક મહત્વની વાતો શેર કરી હતી. જ્યારે પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડૉ. સુનિલ મહેરુએ ફિલ્મ ફેસ્ટિવલની પ્રસ્તાવના રજૂ કરી હતી. આ અવસરે ફિલ્મ ડિરેક્ટર્સ, દેશના વિવિધ મીડિયા સેન્ટરના નિર્દેશકો, બોર્ડ સભ્યો, મીડિયામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: