
રાધા કૃષ્ણ મંદિર, ડેલાસમાં ભવ્ય નવરાત્રી અને દશેરા ઉત્સવ – ભક્તિ અને સંસ્કૃતિનો ૧૧ દિવસનો અવિસ્મરણીય મહોત્સવ એલન, ટેક્સાસ — ડલાસના રાધા કૃષ્ણ મંદિરે ૨૧ સપ્ટેમ્બરથી ૧ ઑક્ટોબર સુધી નવરાત્રી ગરબા અને દુર્ગા માતાની પૂજાનો ભવ્ય ૧૧ દિવસીય ઉત્સવ યોજાયો હતો. જેમાં ડેલાસના હજારો ભક્તો અને સમુદાયના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો. મંદિર ભક્તિ અને સંગીતના રંગોથી ઝળહળતું બની ગયું હતું, જ્યાં સર્વે ભક્તોએ દુર્ગા માતાનું પૂજન કરી ભારતીય પરંપરા અને સંસ્કૃતિને ઉજવી.
દરરોજ સાંજે
ભારતથી આવેલા લાઇવ પ્રોફેશનલ બેન્ડના સૂર પર ગરબા અને ડાંડીયા રાસના ઝૂમતા તાળ સાથે ઉજવણી યોજાતી હતી. નાના-મોટા સૌએ આનંદપૂર્વક ગરબા રમતા સારા પર બુરા પર વિજયના પવિત્ર સંદેશને ઉજવ્યો. ખાસ કરીને બાળકો માટે યોજાયેલા કિડ્સ ગરબા સેગમેન્ટ્સ પરિવાર માટે આનંદદાયક અને શૈક્ષણિક બન્યા, જેનાથી બાળકોને ભારતીય પરંપરાઓ સાથે જોડાવાનો સુંદર અવસર મળ્યો હતો.

ઉત્સવની પૂર્ણાહુતિ ૧ ઑક્ટોબરે મંદિરના પ્રાંગણમાં યોજાયેલા ભવ્ય દશેરા ઉત્સવ સાથે થઇ હતી. સાંજનુ વિશેષ આકર્ષણ હતી રામલીલા ની અદભૂત રજૂઆત હતી અને ત્યારબાદ ૨૭ ફૂટ ઊંચા રાવણના પુતળાનો રાવણ દહન કાર્યક્રમ, જે ભવ્ય ફટાકડાં અને “જય શ્રી રામ” ના ઉલ્લાસભર્યા નાદ વચ્ચે યોજાયો. રાત્રિનું આ દિવ્ય દૃશ્ય સૌના હૃદયમાં દેશભક્તિ અને ભક્તિભાવ જગાવતું રહ્યું. આ ઉજવણી દ્વારા રાધા કૃષ્ણ મંદિરનું ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સમુદાય મૂલ્યો પ્રત્યેનું સમર્પણ સ્પષ્ટ ઝળહળતું હતું. આવા ભવ્ય કાર્યક્રમો દ્વારા મંદિર સ્થાનિક સમુદાયમાં એકતા, આનંદ અને સંસ્કારનું સંગમ સર્જી રહ્યું છે અને ભારતીય વારસાને આગામી પેઢી સુધી જીવંત રાખી રહ્યું છે.
અહેવાલ..સુભાષ શાહ…. ડલાસ