બોત્સવાના ગણરાજ્ય માટે નિયુક્ત હાઈ કમિશનર શ્રી ભરત કુમાર કુઠાતીએ આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી ભરત કુમાર કુઠાતીને શુભેચ્છાઓ પાઠવી હતી. કારકિર્દી દરમિયાન શ્રી કુઠાતીએ સિરિયા, સુદાન, હોંગકોંગ, ઈરાક અને કાબુલ જેવા દેશોમાં ફરજ બજાવી છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ વાતચીત દરમિયાન કહ્યું હતું કે, આ ધરતી શાંત અને રમણીય છે. દુનિયાના દેશોના લોકો પરસ્પર સહયોગ સાધીને, સહકારની ભાવનાથી સંવેદનશીલ રહે અને મનુષ્ય જ મનુષ્યનું ઔષધ બને તો આ વિશ્વ શ્રેષ્ઠ બને, આવી વિભાવના કેળવાય એવી લાગણી સાથે તેમણે શ્રી ભરત કુમાર કુઠાતીને બોત્સવાનામાં ઉજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી.