Breaking News

ગુજરાત વિધાનસભા ચૂંટણી : પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જે પૈકી 718 પુરુષ ઉમેદવાર અને 70 મહિલા ઉમેદવારો છે

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાશે. મતદાન સવારે 08.00થી સાંજે 05.00 સુધી થશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં તબક્કામાં કુલ 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો વોટ આપશે. 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરુષ મતદારો, જ્યારે 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો મતદાન કરશે. જ્યારે 497 ત્રીજી જાતિના મતદારો છે.18થી 19 વર્ષની વયના મતદારોની સંખ્યા 5,74,560 છે. જ્યારે 99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારોની સંખ્યા 4,945 છે.

19 જિલ્લામાં 89 બેઠકો પર થશે મતદાન

નર્મદા જિલ્લાની 2 બેઠક, ભરૂચ જિલ્લાની 5 બેઠક, સુરત જિલ્લાની 16 બેઠક, તાપી જિલ્લાની 2 બેઠક, ડાંગ જિલ્લાની 1 બેઠક, નવસારી જિલ્લાની 4 બેઠકવલસાડ જિલ્લાની 5 બેઠક, કચ્છ જિલ્લાની 6 બેઠક, સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠક, મોરબી જિલ્લાની 3 બેઠક, રાજકોટ જિલ્લાની 8 બેઠક, જામનગર જિલ્લાની 5 બેઠક, દેવભૂમિ દ્વારકાની 2 બેઠક, પોરબંદર જિલ્લાની 2 બેઠક, જૂનાગઢ જિલ્લાની 5 બેઠક, ગીર સોમનાથ જિલ્લાની 4 બેઠક, અમરેલી જિલ્લાની 5 બેઠક, ભાવનગર જિલ્લાની 7 બેઠક, બોટાદ જિલ્લાની 2 બેઠક પર મતદાન થશે.

પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં

પ્રથમ તબક્કામાં 39 રાજકીય પાર્ટીના 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જે પૈકી 718 પુરુષ ઉમેદવાર અને 70 મહિલા ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થઈ જશે. 1 ડિસેમ્બરે મતદાન માટે 25,430 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં છે. જે પૈકી 9014 શહેરી વિસ્તાર અને 16,416 ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. 89 મોડલ મતદાન મથકો, 89 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો, 89 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો, 611 સખી મતદાન મથકો અને 18 યુવા સંચાલિત મતદાન મથકો રાખવામાં આવ્યા છે. મતદાનમાં કુલ 1,06,963 કર્મચારી/અધિકારી જોડાશે. જેમાં 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 78,985 પોલીંગ સ્ટાફનો સમાવેશ થાય છે.

મતદાનના દિવસે વેતન રજા આપવાની જોગવાઈ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કામદારો-નોકરીયાતો સહિત કોઈપણ ધંધાર્થી મતદાન કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું છે કે, મતાધિકાર ધરાવતી કોઈપણ વ્યક્તિ, કોઈપણ ધંધા- રોજગાર, ઔદ્યોગિક એકમો કે અન્ય કોઈપણ સંસ્થામાં નોકરી કરતાં હોય તો તેમને મતદાનના દિવસે સવેતન રજા આપવાની જોગવાઈ છે. રોજમદાર તરીકે કામ કરતાં કર્મચારી-કામદારોના કિસ્સામાં પણ જો તેની ફરજ પર હોય અને જે મહેનતાણું-પગાર મેળવતાં હોય તે મહેનતાણું મતદાનના દિવસે મતદાન કરવાની રજા બદલ માલિક-નોકરીદાતાએ ચૂકવવાનું રહેશે.

પ્રથમ તબક્કાના 21 ટકા ઉમેદવારોદાગી

પ્રથમ તબક્કાના 89 બેઠકોનો કુલ 788 ઉમેદારોમાંથી 167 ઉમેદવારો (21 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાંથી 100 ઉમેદવારો ( 13 ટકા) સામે હત્યા, ભ્રષ્ટાચાર, બળાત્કાર, અપહરણ જેવા ગંભીર ગુનાના કેસ નોંધાયેલા છે. પ્રથમ તબક્કાના મતદાનમાં અરવિંદ કેજરીવાલની આપ પાર્ટીના 88 ઉમેદવારોમાંથી 32 ઉમેદવાર એટલે કે 36 ટકા ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં 30 વિરુદ્ધ હત્યા, બળાત્કાર જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. તો કોંગ્રેસના 89માંથી 31 ઉમેદવારો (35 ટકા) અને ભાજપના 14 ઉમેદવારો (16 ટકા) વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના 14માંથી 4 ઉમેદવારોએ તેમની વિરુદ્ધ ગુનો નોંધાયેલો હોવાની માહિત રજૂ કરી છે.

પ્રથમ તબક્કામાં 37 ઉમેદવારો ‘અશિક્ષિત’
પ્રથમ તબક્કાના મતદાનમાં 788માંથી 37 ઉમેદવારો ‘અશિક્ષિત’ છે તો 146 ઉમેદવારો ધોરણ- આઠ સુધી ભણેલા છે, જેમની સંખ્યા સૌથી વધારે છે. ધોરણ-10 સુધી ભણેલા 142 ઉમેદવાર અને ધોરણ-12 સુધી ભલેણા 94 ઉમેદવાર છે. ચૂંટણીમાં ઝંપલાવનાર 83 ઉમેદવારો સ્નાત, 65 ઉમેદવાર ગ્રેજ્યુએટ પ્રોફેશનલ, 34 ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુઅટ, 3 ઉમેદવાર ડોક્ટર અને 21 ઉમેદવાર ડિપ્લોમા સુધી ભણેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: