Breaking News

ઉપરાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવેલાં ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ
ધનખડજીએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ભારતની આઝાદી આંદોલનના કેન્દ્ર સમા અને
મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા ગાંધી આશ્રમના પરિસરમાં આવેલ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને
ઉપરાષ્ટ્રપતિશ્રીએ ધન્યતા અનુભવી હતી.


ગાંધી આશ્રમની ઉપરાષ્ટ્રપતિશ્રીની આ મુલાકાત વેળાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તથા કુટીર ઉદ્યોગ
અને પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજીએ મહાત્મા ગાંધીના જીવન અને આઝાદી આંદોલનના સંઘર્ષને દર્શાવતા
પ્રદર્શનને નિહાળ્યું હતું. સાથોસાથ બૃહદ આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના મૉડલને નિહાળીને જાણકારી મેળવી હતી.
ઉપરાષ્ટ્રપતિશ્રીએ મહાત્મા ગાંધીના નિવાસસ્થાન હૃદયકુંજની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના
તૈલચિત્રને સૂતરનો હાર પહેરાવી વંદના કરી હતી. ઉપરાષ્ટ્રપતિશ્રીનાં ધર્મપત્નીએ ચરખો કાંત્યો હતો.
ઉપરાષ્ટ્રપતિશ્રીએ હૃદયકુંજની નજીક આવેલી મીરાંબહેન તથા મહાદેવભાઈ દેસાઈની કુટીરો પણ નિહાળી
હતી.
ઉપરાષ્ટ્રપતિશ્રીએ ગાંધી આશ્રમની મુલાકાતના અનુભવ અને અનુભૂતિને વિઝિટર્સ બુકમાં વર્ણવી હતી.
ઉપરાષ્ટ્રપતિશ્રીએ લખ્યું હતું કે “ગાંધી વિચાર અને જીવનશૈલીને ઉજાગર કરતી આ પવિત્ર ભૂમિ પર આવીને
ધન્યતા અનુભવું છું. આ પાવન સ્થાનેથી ગાંધીજીએ નમક સત્યાગ્રહનો પ્રારંભ કરેલો અને દુનિયાને સત્ય અને
અહિંસાની તાકાતનો પરચો આપેલો. આ આશ્રમ ગાંધીજીના વારસાનું ખૂબ સારી રીતે જતન કરે છે. સેવા અને

માનવતાને જાળવી રાખવા સતત પ્રોત્સાહન અને પ્રેરણા આપતા આ આશ્રમની મુલાકાત એ રાષ્ટ્રીય યાત્રાધામની
મુલાકાત સમાન છે.”
સાબરમતી આશ્રમ ટ્રસ્ટના અગ્રણી શ્રી અમૃતભાઈ મોદી તથા શ્રી નીતિન શુક્લે ઉપરાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કર્યું
હતું તથા ગાંધી આશ્રમ અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે જાણકારી આપી હતી.
ઉપરાષ્ટ્રપતિશ્રીની ગાંધી આશ્રમની મુલાકાત સમયે અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી ધવલ પટેલ, અમદાવાદ
પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ વગેરે અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post