Breaking News

Yoga Dialogue held in Mehsana under Yogsevak Shishpalji મહેસાણા જિલ્લાના ફતેપુરા ગામ ખાતે રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં ભવ્ય ‘યોગ સંવાદ’ યોજાયો
સમાજમાં એકતા, શિસ્ત, સંસ્કાર અને સકારાત્મકતા વધુ મજબૂત બનાવવા ‘યોગ સંવાદ કાર્યક્રમ’ જરૂરી:-  શ્રી યોગસેવક શીશપાલજી
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ફતેપુરા ગામ ખાતે “વ્યક્તિ વિકાસથી રાષ્ટ્ર નિર્માણ” અને “વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના સંકલ્પ સાથે ભવ્ય ‘યોગ સંવાદ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
અધ્યક્ષ યોગસેવક શીશપાલજીએ જણાવ્યું હતું કે, યોગ માત્ર વ્યાયામ કે કસરત નથી, પરંતુ માનવ જીવનનું પરિપૂર્ણ સાધન છે, જે સ્વાસ્થ્ય, શાંતિ અને સંકલ્પ ત્રણેયનો આધાર છે. ગ્રામ્ય વિસ્તારોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો, ગ્રામજનોને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે વધુ સશક્ત બનાવવા અને આરોગ્ય સાથે સંસ્કારમય જીવનશૈલી તરફ પ્રેરિત કરવા આ સંવાદનું આયોજન હાથ ધરાયું છે.
વધુમાં શીશપાલજીએ કહ્યું હતું કે, ફતેહપુરા ગામથી શરૂ કરવામાં આવેલી આ યાત્રા આદર્શ વિધાનસભા તરફનું પ્રથમ મહત્વપૂર્ણ પગલું બની છે. આ પહેલ હવે ગુજરાતના ગામે ગામને યોગમય બનાવવાની દિશામાં આગળ વધશે, જેથી માત્ર આરોગ્ય સુધારાશે નહીં, પરંતુ સમાજમાં એકતા, શિસ્ત, સંસ્કાર અને સકારાત્મકતા પણ મજબૂત બનશે.
અધ્યક્ષશ્રી દ્વારા ગ્રામજનોને માત્ર સ્વસ્થ રહેવા માટે નહીં, પરંતુ પોતાના ગામના યોગ દૂત બનવા માટે પણ પ્રેરણા આપી હતી. ખાસ કરીને યુવાનોને યોગ શિક્ષક તરીકે તાલીમ લઈને ગામના દરેક નાગરિકને યોગ સાથે જોડવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં GCMMF તેમજ દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય સ્તરે યોગના પ્રચાર-પ્રસારથી ખેડૂત, શ્રમયોગી, ગૃહિણી, વિદ્યાર્થી સહિત સૌને તંદુરસ્તી સાથે માનસિક શાંતિ અને કાર્યક્ષમતા મળશે, જે વ્યક્તિગત તેમજ સામાજિક વિકાસ માટે આવશ્યક છે.
આ કાર્યક્રમમાં પ્રાણાયામથી લઈને વિવિધ આસનો સુધીના પ્રાયોગિક અભ્યાસ દ્વારા યોગના આરોગ્યપ્રદ તથા સર્વાંગી વિકાસના લાભોની વિગતવાર સમજ આપવામાં આવી હતી.  કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો કે — “અમે યોગને જીવનનું અભિન્ન અંગ બનાવશું અને સ્વસ્થ, સશક્ત તથા સંસ્કારમય ગુજરાતના નિર્માણમાં પોતાનું યોગદાન આપીશું.”
આ અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની મહેસાણા જિલ્લા ટીમ સાથે આસપાસના 200થી વધુ ગામોમાંથી 1000થી વધુ ખેડૂતો અને ગ્રામજનો જોડાયા હતા. ગામમાં વરિષ્ઠ નાગરિકોથી લઈને યુવા પેઢી સુધી સૌએ યોગાભ્યાસમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: