G-RAM-G Bill | 18 ડિસેમ્બર 2025ના રોજ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ગરમાગરમ દિવસ રહ્યો. લોકસભામાં વિપક્ષના પ્રચંડ વિરોધ અને સૂત્રોચ્ચાર વચ્ચે ‘ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે ‘G-RAM-G’ બિલ પસાર કરવામાં આવ્યું છે. બિલ પસાર થતા જ વિપક્ષી સાંસદોએ આક્રોશ વ્યક્ત કરતા ગૃહમાં કાગળો ફાડીને હવામાં ઉછાળ્યા હતા, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું અને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવી પડી હતી.
શિવારાજ સિંહ ચૌહાણનો વિપક્ષ પર પ્રહાર કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ બિલ પર સરકારનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, “અમે કોઈની સાથે ભેદભાવ કરતા નથી. મહાત્મા ગાંધી અમારી પ્રેરણા છે અને આખું ભારત અમારો પરિવાર છે. અમારા વિચારો સંકુચિત નથી.” તેમણે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસને યોજનાઓના નામ રાખવાની ‘સનક’ છે. તેમણે યાદ અપાવ્યું કે ભૂતકાળમાં ૫૫થી વધુ યોજનાઓ અને અનેક રાષ્ટ્રીય ઉદ્યાનોના નામ માત્ર એક જ પરિવાર (નેહરુ-ગાંધી પરિવાર) પર રાખવામાં આવ્યા હતા.
વિપક્ષની સ્ટેન્ડિંગ કમિટીની માંગ ફગાવી કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે આ બિલને વધુ તપાસ માટે સ્ટેન્ડિંગ કમિટી અથવા સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલવાની માંગ કરી હતી. જોકે, લોકસભા સ્પીકરે આ માંગને ફગાવી દેતા જણાવ્યું હતું કે, આ વિધેયક પર ૧૪ કલાકથી વધુ સમય સુધી ઊંડાણપૂર્વક ચર્ચા થઈ ચૂકી છે. નોંધનીય છે કે ૧૬ ડિસેમ્બરે પ્રિયંકા ગાંધીએ પણ આ બિલનો વિરોધ કરતા કહ્યું હતું કે, દરેક યોજનાનું નામ બદલવાની સરકારની વૃત્તિ સમજાતી નથી.
MGNREGA નું સ્થાન લેશે નવું બિલ આ નવું ‘G-RAM-G’ બિલ ૨૦ વર્ષ જૂના મનરેગા (MGNREGA) એક્ટનું સ્થાન લેશે. બુધવારે આ બિલ પર મોડી રાત્રે ૧:૩૫ વાગ્યા સુધી ચાલેલી ચર્ચામાં ૯૮ સાંસદોએ ભાગ લીધો હતો. સરકારનો દાવો છે કે આ બિલ ગ્રામીણ રોજગારીમાં વધુ પારદર્શિતા અને અસરકારકતા લાવશે, જ્યારે વિપક્ષ તેને જૂની વ્યવસ્થાને નબળી પાડવાનો પ્રયાસ ગણાવી રહ્યો છે.
