Vadodara Karjan Accident | વડોદરા (Vadodara) જિલ્લાના કરજણ પાસે નેશનલ હાઈવે-48 આજે વહેલી સવારે રક્તરંજિત બન્યો હતો. શુક્રવારે (30 જાન્યુઆરી, 2026) વહેલી સવારે ઔરંગાબાદથી અમદાવાદ જઈ રહેલી ‘જય ખોડિયાર ટ્રાવેલ્સ’ની ખાનગી બસ (Private Bus) ધાવટ ચોકડી બ્રિજ પર સાઈડમાં ઉભેલી એક ટ્રક (Truck) સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ પ્રચંડ ટક્કરમાં બસનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 10થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે બસમાં સવાર 25થી વધુ મુસાફરો લોખંડના પતરાં વચ્ચે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર સ્ટેશન (Fire Station)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયર ફાઈટરોએ હાઈડ્રોલિક કટર (Hydraulic Cutter) વડે બસના પતરાં કાપીને અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે દોઢ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. અનેક મુસાફરો લોહીલુહાણ હાલતમાં રસ્તા પર બેસેલા જોવા મળ્યા હતા, જે દ્રશ્યો હૃદયદ્રાવક હતા.
પ્રાથમિક તપાસ મુજબ, હાઈવે પરના બ્રિજ પર એક ટ્રક સાઈડમાં ઉભો હતો. પૂરઝડપે આવતી બસના ચાલકને વહેલી સવારે ઊંઘનું જોકું (Drowsiness) આવી ગયું હોય અથવા ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી (Visibility) ઓછી હોય તેવી શક્યતા સેવાઈ રહી છે. ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગના ફુરચા ઉડી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ (Karjan Police), 108 એમ્બ્યુલન્સ અને હાઈવે પેટ્રોલિંગની ટીમો દોડી આવી હતી. 10થી વધુ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.
અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ (Traffic Jam) સર્જાયો હતો, જેને પોલીસે ક્રેનની મદદથી વાહનો હટાવી પૂર્વવત કર્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતકોની ઓળખ વિધિ અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
