Breaking News

Lakhpati Didi Yojana

સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓ વિકસિત ભારતના નિર્માણમાં એક મજબૂત કડી છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ગાંધીનગર,7 ઓગસ્ટ, 2025 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર દેશની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં ‘લખપતિ દીદી’ યોજના શરૂ કરવામાં આવી હતી. 2027 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો આ યોજનાનો ઉદ્દેશ છે.

ગુજરાતની મહિલાઓને આ યોજનાનો બહોળો લાભ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વ્યાપક પ્રયાસો કરવામાં આવ્યા છે. પરિણામે જુલાઇ 2025 સુધી રાજ્યમાં 5 લાખ 96 હજાર જેટલી મહિલાઓની આવક એક લાખથી વધુ સુધી પહોંચી છે અને તેઓ ગર્વ સાથે ગુજરાતની ‘લખપતિ દીદી’ બની છે. આવનારા સમયમાં ગુજરાત 10 લાખ મહિલાઓને લખપતિ દીદી બનવા માટે મદદરૂપ થઇને મહિલા સશક્તિકરણનું અભૂતપૂર્વ ઉદાહરણ પ્રસ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે.

રાજ્યમાં 10 લાખથી વધુ સંભવિત લખપતિ દીદીની ઓળખ રાજયના તાલીમબધ્ધ કમ્યુનિટી રિસોર્સ પર્સન (સી.આ.પી.) દ્રારા અત્યારે 10.74 લાખ મહિલાઓની ઓળખ કરવામાં આવી છે જેઓ લખપતિ દીદી બની શકે છે. ઓળખ કરાયેલ સંભવિત લખપતિ દીદીની હાલની પ્રવૃત્તિ તથા તેમની પાસે ઉપલબ્ધ સ્ત્રોતો, થયેલ ખર્ચ અને આવકની વિગતો મેળવવા માટે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્રારા ડિજિટલ આજીવિકા રજીસ્ટર તૈયાર કરવામા આવ્યું છે. આ ડિજિટલ આજીવિકા રજીસ્ટરથી મળેલી માહિતિના આધારે ઓળખ કરવામાં આવેલી લખપતિ દીદીને તેમની જરૂરિયાત મુજબ તાલીમ, એસેટ, આર્થિક સહાય, તથા માર્કેટીંગ માટે જરૂરી સપોર્ટ કરવામાં આવી રહ્યો છે.

કઈ રીતે કામ કરે છે લખપતિ દીદી યોજના ? આ યોજના સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી ગ્રામીણ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે મદદરૂપ બને છે જેથી તેમની વાર્ષિક આવક એક લાખથી વધુ થઇ શકે. મહિલાઓ કૃષિ, પશુપાલન, હસ્તકળા અને અન્ય સ્થાનિક ક્ષેત્રોમાં વ્યવસાય શરૂ કરી શકે છે. તેના માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ દ્વારા તાલીમ, આર્થિક સહાય અને બજાર સાથે જોડાણની સુવિધા આપવામાં આવે છે જેથી તેમની આવકમાં વધારો થઇ શકે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર લખપતિ દીદી માટે નીચેની વિગત અનુસાર આવક ગણતરી કરવામાં આવે છે:

• કૃષિ અને સંલગ્ન વ્યવસાયની વર્ષ દરમિયાનની કુલ આવક. • નોન ફાર્મ એક્ટિવિટી જેવીકે મેન્યુફેક્ચરીંગ, ટ્રેડીંગ, સર્વિસીઝ વગેરેની આવક. • પરિવારમાં કોઈ વ્યક્તિ નોકરી કરતા હોય તો તેની આવક. • ફાર્મ તથા નોન –ફાર્મ વ્યવસાયમાં મજૂરી કામથી મળતી આવક. • સરકારના યોજનાકીય લાભ દ્વારા મળેલ રકમ. • કમિશન, માનદ વેતનથી પ્રાપ્ત આવક.

124 માસ્ટર ટ્રેનર્સ દ્વારા 10 હજારથી વધુ કોમ્યુનીટી રીસોર્સ પર્સનને તાલીમ આ યોજનાના સફળ અમલીકરણ માટે ગુજરાત સરકારે અમુક મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. તાલુકા સ્તરે 124 માસ્ટર ટ્રેનર્સની નિમણૂક કરવામાં આવી છે જેમણે અત્યાર સુધી 10 હજારથી વધુ કમ્યુનિટી રિસોર્સ પર્સન્સને તાલીમ આપી છે. આ કમ્યુનિટી રિસોર્સ પર્સન્સ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓને સહયોગ આપશે. આ સમગ્ર પ્રક્રિયા માટે ડિજીટલ આજીવિકા રજીસ્ટર પર ડેટા અપડેટ કરવામાં આવે છે, જે દેખરેખની સાથે મહિલા સાહસિકોને તાલીમ, નાણાકીય સહયોગ અને માર્કેટ જોડાણ આપવામાં મદદરૂપ થાય છે.

સુરતના અંકિતાબેનની આવક એક વર્ષમાં 2 લાખ થઇ લખપતિ દીદી કાર્યક્રમને રાજ્ય સરકારે સફળતાપૂર્વક જમીન પર અમલમાં મૂક્યો છે. તેના પરિણામે મહિલાઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. સુરતના મહુવા તાલુકાના શેખપુર ગામના અંકિતાબેન પીનલભાઈ પટેલે વર્ષ 2024માં ડ્રોન પાયલટ તરીકે કામગીરી શરૂ કરી હતી. માત્ર એક વર્ષમાં જ તેમણે ડ્રોનથી દવાઓનો છંટકાવ કરીને ₹2 લાખની કમાણી કરી છે. આ કામગીરી શરૂ કર્યા પહેલા તેઓ પરિવાર સાથે ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા હતાં. અંકિતાબેન કહે છે, “હવે કોઈના પર નિર્ભર નથી રહેવું પડતું. અમને ઓર્ડર પણ સતત મળી રહ્યા છે અને સારી આવક પણ થઇ રહી છે. મારા હસબન્ડ તરફથી પણ મને પૂરતો સપોર્ટ મળે છે. મારા પરિવારને આ કામગીરીથી ઘણી આર્થિક મદદ થઇ છે.”


સચરાચરની Whatsapp Channelમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: