Telangana News | તેલંગાણા સરકાર (Telangana Government) વૃદ્ધ વડીલોના રક્ષણ માટે એક અત્યંત કડક અને મહત્વપૂર્ણ કાયદો લાવવા જઈ રહી છે. મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ (CM Revanth Reddy) જાહેરાત કરી છે કે જો કોઈ સરકારી કર્મચારી પોતાના વૃદ્ધ માતા-પિતાની ઉપેક્ષા કરશે, તો તેમના પગારમાંથી 10 થી 15 ટકાનો કાપ મૂકવામાં આવશે.
પૈસા સીધા માતા-પિતાના બેંક ખાતામાં જશે
નવા કાયદા (Legislation) મુજબ, જો કોઈ વૃદ્ધ માતા-પિતા તેમના પુત્ર કે પુત્રી (જે સરકારી નોકરીમાં હોય) વિરુદ્ધ ફરિયાદ કરશે કે તેમનું ધ્યાન રાખવામાં આવતું નથી, તો સરકાર ગંભીરતાથી પગલાં લેશે. કર્મચારીના પગારમાંથી કાપવામાં આવેલી 10 ટકા રકમ સીધી જ તેમના માતા-પિતાના બેંક ખાતામાં (Bank Account) ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી તેઓ ગૌરવ સાથે પોતાનું જીવન જીવી શકે.
આગામી બજેટ સત્રમાં રજૂ થશે કાયદો
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર આગામી બજેટ સત્રમાં (Budget Session) આ માનવતાવાદી કાયદો રજૂ કરશે. તેમણે કહ્યું કે, “જે લોકો પોતાના માતા-પિતાનું ધ્યાન નથી રાખતા, તેઓ સમાજ પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારી (Moral Responsibility) નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે.”
વરિષ્ઠ નાગરિકો માટે અન્ય સુવિધાઓ
સરકારે વડીલો અને દિવ્યાંગો માટે અન્ય ઘણી મહત્વની જાહેરાતો પણ કરી છે:
- ‘પ્રણામ’ ડે-કેર સેન્ટર: વરિષ્ઠ નાગરિકો માટે શહેરોમાં ખાસ ‘Pranam’ ડે-કેર સેન્ટરો બનાવવામાં આવશે.
- સાધનોનું મફત વિતરણ: દિવ્યાંગ વ્યક્તિઓ માટે રેટ્રોફિટેડ વાહનો, વ્હીલચેર, લેપટોપ અને સાંભળવાના મશીનો માટે 50 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
- નવી આરોગ્ય નીતિ: વર્ષ 2026-2027ના બજેટમાં રાજ્યની નવી હેલ્થ પોલિસી (Health Policy) જાહેર કરવામાં આવશે.
- ટ્રાન્સજેન્ડર સમુદાય માટે મોટો નિર્ણય
માતા-પિતાના કાયદાની સાથે, સીએમ રેડ્ડીએ ટ્રાન્સજેન્ડર (Transgender) વ્યક્તિઓ માટે પણ ઐતિહાસિક જાહેરાત કરી છે. હવેથી દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક ટ્રાન્સજેન્ડર સભ્યને કો-ઓપ્શન સભ્ય (Co-option Member) તરીકે નોમિનેટ કરવામાં આવશે, જેથી તેઓ પોતાની સમસ્યાઓ સરકાર સમક્ષ રજૂ કરી શકે.
