Supreme Court WhatsApp Privacy Policy | સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોશિયલ મીડિયા જાયન્ટ મેટા (Meta) અને મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) વિરુદ્ધ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પ્રાઈવસી પોલિસી (Privacy Policy) મામલે સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ભારતના નાગરિકોની પ્રાઈવસી સાથે કોઈ પણ પ્રકારનું સમજૂતી કરવામાં આવશે નહીં.
“બંધારણ ન પળાય તો દેશ છોડી દો” : ચીફ જસ્ટિસ સૂર્યકાંતની (Chief Justice Suryakant) આગેવાની હેઠળની બેન્ચે વોટ્સએપની 2021ની પ્રાઈવસી પોલિસીની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું, “જો તમે અમારા બંધારણ (Constitution) નું પાલન ન કરી શકતા હોવ, તો ભારત છોડીને ચાલતી પકડો. અમે ભારતના સામાન્ય નાગરિકોની પ્રાઈવસીને જોખમમાં મૂકી શકીએ નહીં.”
ડેટા શેરિંગ પર કોર્ટનો સવાલ: સુપ્રીમ કોર્ટે વોટ્સએપના ડેટા શેરિંગ (Data Sharing) મોડેલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તમે અહીં સર્વિસ આપવા માટે છો, લોકોનો ડેટા ભેગો કરી કમાણી કરવા માટે નહીં.
ઉદાહરણ: કોર્ટે નોંધ્યું કે જો કોઈ ડૉક્ટર વોટ્સએપ પર દવા લખી આપે, તો 5 મિનિટમાં ફોન પર દવાની જાહેરાતો (Advertisements) દેખાવા લાગે છે. આ યુઝર્સના ડેટાનો દુરુપયોગ છે.
સામાન્ય લોકોની સમજ: કોર્ટે કહ્યું કે ગામડાના લોકો કે શેરીના ફેરિયાઓ તમારી જટિલ ‘ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ’ (Informed Consent) ને સમજી શકતા નથી. આ સ્થિતિ ‘સિંહ અને ઘેટાં’ વચ્ચેની પસંદગી સમાન છે.
શું છે સમગ્ર વિવાદ? : નવેમ્બર 2024માં કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ વોટ્સએપને પ્રાઈવસી પોલિસી અને પ્રતિસ્પર્ધા કાયદાના ભંગ બદલ ₹213 કરોડનો દંડ ફટકાર્યો હતો. કંપની પર આરોપ હતો કે તેણે યુઝર્સને નવી પોલિસી સ્વીકારવા મજબૂર કર્યા હતા. આ મામલે મેટા કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
કોર્ટનો વચગાળાનો આદેશ: સુપ્રીમ કોર્ટે વોટ્સએપ પાસે લેખિતમાં બાંહેધરી (Written Undertaking) માંગી છે કે જ્યાં સુધી આ કેસની સંપૂર્ણ સુનાવણી ન થાય ત્યાં સુધી તેઓ મેટા (Meta) સાથે કોઈ પણ યુઝરની માહિતી શેર કરી શકશે નહીં.
આગામી સુનાવણી: આ કેસની વધુ સુનાવણી હવે 9 ફેબ્રુઆરીએ ત્રણ જજોની બેન્ચ દ્વારા કરવામાં આવશે.
