RSS 100 Years Celebration | અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત 4 દિવસીય વ્યાખ્યાન-માળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડૉ. કે.બી.હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી, જેઓ એક પ્રખર દેશભક્ત હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ આ વર્ષે તેના શતાબ્દી વર્ષની ઉજવણીની શરૂઆત કરી છે.
ગુજરાત યુનિ. કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની યાત્રાના અભિલેખો, મહત્વપૂર્ણ પ્રસંગો અને મૂળ દસ્તાવેજો પણ પ્રદર્શનીમાં મૂકવામાં આવ્યા છે. ડો. હેડગેવારનું ઘર, શાખાનું પ્રથમ સ્થળ મોહિતેવાડા, સ્મૃતિ મંદિર, રામ મંદિર અને ભારત માતાનું 3D મોડેલ પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે. આગામી 14 નવેમ્બર સુધી વ્યાખ્યાન, મલ્ટી મીડિયા શો અને વ્યાખ્યાનનો શહેરીજનો લાભ લઈ શકશે. પ્રદર્શન અને મલ્ટિમિડીયા શો 11થી 14 નવેમ્બર દરમિયાન રોજ સાંજે 4થી 8 કલાક સુધી રહેવાનો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, એક સંસ્થા નિરંતર 100 વર્ષથી રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના સાથે પોતાના કર્તવ્ય પથ પર આગળ વધી રહી છે. સામાન્ય રીતે કોઈપણ સંસ્થાની આટલા વર્ષની યાત્રામાં વૈચારિક બદલાવ જોવા મળતો હોય છે, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક એવી મહાન સંસ્થા છે. જે તેના વિચારોને દ્રઢતા 100 વર્ષમાં પણ વધુ વ્યાપક થઈ છે લોકોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવામાં સફળ રહી છે. ડો. હેડગેવારજીના વિચારો સ્મૃતિમાં આવી રહ્યા છે.
ડોક્ટર જાણતા હતા કે દેશના દરેક નાગરિકના મનમાં રાષ્ટ્રપ્રથમનો ભાવ જાગૃત થશે ત્યારે જ ભારત સશક્ત રાષ્ટ્ર બની શકશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સામાન્ય લોકો મળીને અસામાન્ય અને અદભુત કામ કરી રહ્યા છે. શાખાના માધ્યમથી દેશભરમાં સ્વયંસેવકોની ફોજ તૈયાર થઈ રહી છે. સંઘની સ્થાપના થઈ હતી ત્યારે ભારતની પરિસ્થિતિ અલગ હતી, 100 વર્ષ બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પરિસ્થિતિ અલગ છે. આપણે સૌએ સંઘના સંસ્કાર સાથે આગળ વધવું જોઈએ.
