
આનંદીબહેન પટેલના જીવનચરિત્ર ‘ચુનૌતિયાં મુઝે પસંદ હૈ’નું વિમોચન ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના જીવનચરિત્ર ‘ચુનૌતિયાં મુઝે પસંદ હૈ’નું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે વિમોચન મારું જે કંઈ ઘડતર થયું તે પાર્ટી દ્વારા થયું છે: આનંદીબહેન પટેલ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ • આનંદીબહેનનું જીવન સંઘર્ષશક્તિના બળ પર આગળ વધવાની એક પ્રેરણાદાયી ગાથા છે • પોઝિશન માટે નહિ પરંતુ પર્પઝ માટે કામ કરનારા નેતાઓમાંના એક છે આનંદીબહેન • આનંદીબહેન 85 વર્ષની ઉંમરે એક યુવાનને શરમાવે એવી સ્ફૂર્તિથી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે કામ કરી રહ્યા છે * * **
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
• આનંદીબહેન પટેલની મુખ્યમંત્રી તરીકેની નિષ્ઠા અને કાર્યક્ષમતા ગુજરાતના લોકોના હૃદયમાં આજે પણ અંકિત છે • આનંદીબહેન કુશળ સંગઠક ઉપરાંત ઉમદા શાસનકર્તા પણ પુરવાર થયાં છે • ‘ચુનૌતિયાં મુજે પસંદ હૈ’ નારીશક્તિને હરહંમેશ પ્રેરણા અને આત્મબળ આપતું પુસ્તક બની રહેશે
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલના જીવનચરિત્ર ‘ચુનૌતિયાં મુઝે પસંદ હૈ’ના ગુજરાતી અનુવાદનો વિમોચન સમારંભ અમદાવાદ ખાતે યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાગવત કથાકાર ભાઈ રમેશભાઈ ઓઝાના હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે આનંદીબહેન પટેલની સંઘર્ષશક્તિ અને નેતૃત્વને બિરદાવતા જણાવ્યું હતું કે આનંદીબહેનનું જીવન સંઘર્ષશક્તિના બળ પર આગળ વધવાની એક પ્રેરણાદાયી ગાથા છે. આ પુસ્તકમાં તેમની જીવનયાત્રાના પ્રેરણાબિંદુઓનું સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આનંદીબહેને જાહેર જીવનમાં તેમના સંઘર્ષ અને મજબૂત નેતૃત્વ થકી સંગઠન નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
અમિતભાઈ શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આનંદીબહેનનું આ પુસ્તક અનેક વાચકોના જીવનમાં પ્રેરણા આપવાનું કામ કરશે.
અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે પોઝિશન માટે નહિ પરંતુ પર્પઝ માટે કામ કરનારા નેતાઓમાંના એક આનંદીબહેન છે. તેઓ જનહિત માટે એકસૂત્ર સાથે કામ કરતાં રહ્યાં છે. આનંદીબહેને ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના મુખ્યમંત્રી, સંસદ સભ્ય અને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી છે. નિમ્ન અને મધ્યમ વર્ગના સામાન્ય પરિવારમાંથી આવતા આનંદીબહેન પટેલ લોકો માટે સતત સંઘર્ષ કરીને આગળ વધ્યાં છે. શિક્ષકથી લઈને સર્વોચ્ચ પદ સુધીની તેમની યાત્રા ભારતીય નારીશક્તિની દૃઢતાનું ઉદાહરણ પૂરું પાડે છે.
અમિતભાઈ શાહે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબહેનની સક્રિયતાની પ્રશંસા કરીને જણાવ્યું કે, 85 વર્ષની ઉંમરે પણ એક યુવાનને શરમાવે એવી સ્ફૂર્તિથી આનંદીબહેન ઉત્તર પ્રદેશમાં કામ કરી રહ્યાં છે, જે સૌના માટે ગૌરવનો વિષય છે. તેમના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં શિક્ષણ વ્યવસ્થા અને સમાજ જીવનમાં ગુણાત્મક સુધારો લાવવાના પ્રયાસો થયા છે. તેમના પરિશ્રમથી ઉત્તર પ્રદેશની લગભગ બધી જ યુનિવર્સિટીઓએ યુજીસી રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે.
અમિતભાઈ શાહે સંગઠન ક્ષેત્રે આનંદીબહેનના યોગદાનને વિશેષ રૂપે બિરદાવ્યું હતું. તેમણે કહ્યું કે, આનંદીબહેને લોકોમાંથી કાર્યકર્તા ઊભા કર્યા છે અને તે આનંદીબહેનની સૌથી મોટી ઓળખ છે. તેમણે સંગઠનની રચના માટે એક યોજના બનાવી અને ગુજરાતમાં પ્રવાસ કરીને ભાજપને મજબૂત બનાવ્યો. અમિતભાઈ શાહે બૂથ ડૉક્યુમેન્ટેશનના નરેન્દ્રભાઈના વિચારને પાર્ટીના વિકાસનો પ્રેરણા સ્ત્રોત ગણાવ્યો હતો અને ઉમેર્યું હતું કે આનંદીબહેન સહિતના નેતાઓના પ્રયાસોની ભારતીય જનતા પાર્ટીએ બૂથ નક્કી કર્યા અને નવા સભ્યો જોડીને સદસ્યતા અભિયાનને ગતિ આપી હતી. આને પરિણામે પાર્ટીએ સતત વિકાસ કર્યો અને સત્તામાં આવી શકી, એવું તેમણે ઉમેર્યું હતું
તેમણે આનંદીબહેનના યોગદાનની નોંધ લેતા કહ્યું કે, તેમણે શિક્ષિકા, સમાજસેવિકા, અને રાજનેતા તરીકે ઉમદા કામ કર્યું છે. સંઘર્ષ દ્વારા તેઓ ધારાસભ્ય, શિક્ષણ મંત્રી, મહેસૂલ મંત્રી, મુખ્યમંત્રી અને ત્રણ રાજ્યોના રાજ્યપાલ બન્યાં છે. મહેસૂલ મંત્રી તરીકે તેમણે નર્મદા યોજના માટે ભૂમિ અધિગ્રહણનું કાર્ય ઓછામાં ઓછા સમયમાં પૂરું કરવાનો રેકોર્ડ દેશભરમાં સ્થાપિત કર્યો હતો.
આ પ્રસંગે પોતાની અનુભવગાથા વર્ણવતા આનંદીબહેને જણાવ્યું હતું કે દુષ્કાળના વર્ષોમાં ગુજરાતમાં ગામડે ગામડે ફરી રહ્યા હતા ત્યારે ભાજપના એ વખતના અગ્રણીઓએ ભાજપમાં જોડાવા જણાવ્યું તથા મોટી જવાબદારી સોંપી જેણે તેમનું રાજકીય ઘડતર કર્યું હતું. ભાજપના ભય ભૂખ અને ભ્રષ્ટાચારમુક્ત શાસનના સૂત્રને સાકાર કરવા માટે તેમણે લીધેલા મક્કમ નિર્ણયોની પણ તેમણે વિગતે વાત કરી હતી. ત તેમણે જણાવ્યું હતું કે મારું જે કંઈ ઘડતર થયું તે પાર્ટી દ્વારા થયું છે. આ પુસ્તક વેચાણના તમામ પૈસા દીકરીઓના શિક્ષણ માટે વપરાશે એવું તેમણે જાહેર કર્યું હતું.
આનંદીબહેન પટેલે ગુજરાતમાં તેમની કામગીરી અંગે વાત કરવાની સાથે સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે કેવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, તેનો ચિતાર આપ્યો હતો. આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈના સૂચન મુજબ આંગણવાડીથી લઈને યુનિવર્સિટીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે ઉત્તર પ્રદેશમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારની યોજનાઓનું યોગ્ય અમલીકરણ થાય તેની પણ તકેદારી રાખવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આનંદીબહેન પટેલની અડગ નિર્ણયશક્તિ, મક્કમ નિર્ધાર અને સામા પ્રવાહે તરીને પણ જનહિતનાં કાર્યો કરવાના સ્વભાવથી આપણે સૌ વાકેફ છીએ. આનંદીબહેન કુશળ સંગઠક ઉપરાંત ઉમદા શાસનકર્તા પણ પુરવાર થયાં છે. મુખ્યમંત્રી તરીકેની તેમની નિષ્ઠા અને કાર્યક્ષમતા ગુજરાતના લોકોના હૃદયમાં આજે પણ અંકિત છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે વિમોચન થયેલા પુસ્તક ‘ચુનૌતિયાં મુઝે પસંદ હૈ’ના શીર્ષકમાં જ આનંદીબહેનની પ્રેરણાદાયી યાત્રાની વાત સમાઈ જાય છે. ખરોડ જેવા નાના ગામડામાં જન્મેલાં આનંદીબહેનને દેશના સૌથી વિકસિત રાજ્ય ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના રાજ્યપાલ સુધીની સફરમાં સામનો કર્યો હોય એવા અનેક પડકારોની વાત આ પુસ્તકમાં છે. ‘ચુનૌતિયાં મુજે પસંદ હૈ’ નારીશક્તિને હરહંમેશ પ્રેરણા અને આત્મબળ આપતું પુસ્તક બની રહેશે, એવો વિશ્વાસ છે. દરેક ગુજરાતીના ઘરમાં અને દરેક યુવતીના હાથમાં આ પુસ્તક હોવું જોઈએ, એવું તેમણે ઉમેર્યું હતું.
દેશની એકતા અખંડતાને મજબૂત કરવા યોજાયેલી કન્યાકુમારીથી કાશ્મીરની એકતા યાત્રામાં પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે આનંદીબહેન સહભાગી થયાં હતાં અને ૨૬ જાન્યુઆરીએ નગરના લાલ ચોકમાં તિરંગો લહેરાવ્યો ત્યારે ડૉ. મુરલી મનોહર જોશી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના ગણતરીના માત્ર અઢીસો લોકોમાં આનંદીબહેન પણ સામેલ હતાં, એ કિસ્સાનો ઉલ્લેખ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આવા ખુમારી અને પડકારને પહોંચી વળવાની કુનેહના દાખલા આ પુસ્તકમાં સમાવાયા છે.
કુશળ સંગઠક તરીકે આનંદીબહેને સદસ્યતા અભિયાનમાં 14 લાખ લોકોને પક્ષના સભ્ય તરીકે સફળતાપૂર્વક જોડેલા, એ કિસ્સો પણ યાદ કર્યો હતો.
શિક્ષિક તરીકે કારકિર્દીનો પ્રારંભ કરનારાં આનંદીબહેને શિક્ષણ મંત્રી તરીકે ગુજરાતના ગામડે ગામડે શિક્ષણની જ્યોત પ્રગટાવેલી,એવું જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે એક ધારાસભ્ય, મંત્રી અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે તેમણે મહિલા સશક્તિકરણ, બાળકીઓના શિક્ષણ, જળસંચય, સ્વચ્છતા, સુશાસન અને વિકાસનાં અનેક ક્ષેત્રે અભૂતપૂર્વ કામ કરેલાં છે. મુખ્યમંત્રી તરીકે આનંદીબેહેને હંમેશાં ગુજરાતની અસ્મિતા અને પ્રગતિને સર્વોપરિ રાખી હતી.
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આનંદીબહેને જે વિભાગમાં કામ કર્યું તેમાં તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી. મહેસૂલ મંત્રી તરીકે, મહિલા અને બાળવિકાસ મંત્રી તરીકે કે પછી શિક્ષણ મંત્રી તરીકે તેમણે પોતાની આગવી અને મક્કમ વહીવટી કુશળતાનો પરિચય કરાવેલો.
વિમોચન સમારોહમાં ભગવત કથાકાર ભાઈ રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે, આનંદીબહેન પટેલની જીવનકથાનું પ્રકાશન એ ધર્મને પ્રકાશિત કરતી એક ઘટના છે. તેમણે બહેનને નારીશક્તિનું જીવંત ઉદાહરણ ગણાવતા કહ્યું કે, એક શિક્ષિકા તરીકે શરૂઆત કરીને તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને આજે 85 વર્ષની ઉંમરે પણ ઉત્તર પ્રદેશના સક્રિય રાજ્યપાલ તરીકે તેમનો ઉત્સાહ સચવાયેલો છે. તેમનો આ પ્રેરક જીવન વેદોના આદેશ સાર્થક કરે છે. આનંદીબહેનનું આ પુસ્તક મુશ્કેલીઓનો સામનો કરીને તેમાંથી આનંદ મેળવવાની પ્રેરણા આપે છે.
ભાઈ રમેશ ઓઝાએ આનંદીબહેનના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી, અને આ પુસ્તકનો ખૂબ પ્રચાર-પ્રસાર થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ સમારોહમાં આનંદીબહેનનાં સંતાનો સંજય પટેલ તથા અનાર પટેલે ભાવપૂર્ણ સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે આ માતૃશક્તિની વંદનાનો પ્રસંગ છે. સુ અનાર પટેલે માતા આનંદીબહેનના અભય અને સાહસના ગુણોની વાત કરીને પોતાના સગાભાઈના ઘરમાં બાળલગ્ન રોકવા પોલીસને બોલાવવાની ઘટના યાદ કરી હતી.
આ વિમોચન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, કડી સર્વ વિદ્યાલયના વડા મનુભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, લખનૌ લોકભવનના અધિક મુખ્ય સચિવ સુધીર બોબડે ઉપરાંત શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
