
બહુચરાજી : ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ આજે હાંસલપુર પ્લાન્ટથી મારુતિ સુઝુકી કંપનીની પ્રથમ ઈલેક્ટ્રિક કારને લોન્ચ કરી છે. તેમજ કંપનીના બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું છે. આ કારનું નામ મારુતિ ઈ -વિટારા રાખવામાં આવ્યું છે. મારુતિ સુઝુકીની આ પ્રથમ ઈલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ કાર સિંગલ ચાર્જમાં 500 કિલો મીટર ચાલશે તેવો કંપનીએ દાવો કર્યો છે.
આ પૂર્વે પીએમ મોદી એકસ પર લખ્યું હતું કે, ભારતને આત્મ નિર્ભરતા બનાવવા અને ગ્રીન મોબિલિટી ક્ષેત્ર માટે આજનો દિવસ મહત્વનો છે. હાંસલપુરમાં e-VITARA ને લીલી ઝંડી આપવામાં આવશે. આ બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV) ભારતમાં બનેલ છે અને સોથી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આપણા દેશની બેટરી ઇકોસિસ્ટમને પ્રોત્સાહિત કરવા ગુજરાતના એક પ્લાન્ટમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડનું ઉત્પાદન પણ શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે, ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ જાન્યુઆરી 2025માં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો દરમિયાન eVITARAનું અનાવરણ કર્યું હતું. ચાર ભારતીય પ્લાન્ટમાં વાર્ષિક 2.6 મિલિયન યુનિટની ક્ષમતા સાથે કંપનીએ નાણાકીય વર્ષ 25 માં 3.32 લાખથી વધુ વાહનોની નિકાસ કરી હતી અને સ્થાનિક બજારમાં 19.01 લાખ યુનિટ વેચ્યા હતા. ત્યારે હવે eVITARAનું કોમર્શિયલ ઉત્પાદન મંગળવારથી હાંસલપુર પ્લાન્ટમાં સત્તાવાર રીતે શરૂ થયું છે.
સુઝુકીની ઇવી કારને લોન્ચ કર્યા બાદ સંબોધન કરતી વખતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હવે વિદેશની ધરતી પર દોડનારી કારો પર લખેલું હશે મેડ ઇન ઇન્ડિયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત પાસે લોકશાહીની શક્તિ છે. ભારત પાસે ડેમોગ્રાફીનો લાભ છે. આપણી પાસે કુશળ કર્મચારીઓનો પણ એક મોટો સમૂહ છે. તેથી, આ અમારા દરેક ભાગીદાર માટે વિન-વિન પરિસ્થિતિનું નિર્માણ કરે છે. આજે, સુઝુકી જાપાન ભારતમાં ઉત્પાદન કરી રહ્યું છે, અને અહીં બનેલી કારો જાપાનમાં પાછી નિકાસ કરવામાં આવી રહી છે. આ માત્ર ભારત અને જાપાન વચ્ચેના સંબંધોની મજબૂતાઈનું પ્રતીક નથી, પરંતુ ભારતમાં વૈશ્વિક વિશ્વાસને પણ પ્રતિબિંબિત કરે છે. એક રીતે, મારુતિ સુઝુકી જેવી કંપનીઓ ‘મેક ઇન ઇન્ડિયા’ની બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે… હવે, વિશ્વના ડઝનેક દેશોમાં જે ઇવી ચાલશે તેના પર ‘મેડ ઇન ઇન્ડિયા’ લખેલું હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતની સફળતાની સ્ટોરીના બીજ લગભગ 13 વર્ષ પહેલાં રોપાયા હતા. 2012 માં, જ્યારે હું અહીં મુખ્યમંત્રી હતો, ત્યારે અમે હાંસલપુરમાં મારુતિ સુઝુકીને જમીન ફાળવી હતી. તે સમયે પણ આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયાનું વિઝન હતું. અમારા શરૂઆતના પ્રયાસો હવે રાષ્ટ્રની મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
મારુતિ તેની કિશોરાવસ્થામાં પ્રવેશી રહી છે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, કિશોરાવસ્થા એ જીવનની યાત્રાની શરૂઆત છે અને પાંખો ફેલાવવાનો તબક્કો છે, સપનાઓ અને આકાંક્ષાઓનો પીછો કરવાનો સમય છે. કિશોરાવસ્થા દરમિયાન, ઘણા સપનાઓ ઉભરી આવે છે, અને વ્યક્તિ ઘણીવાર જમીનથી બંધાયેલું અનુભવતી નથી. મને આનંદ છે કે મારુતિ તેની કિશોરાવસ્થામાં પ્રવેશી રહી છે.
મેક ઇન ઇન્ડિયામાં એક નવા અધ્યાયનો ઉમેરો થયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગણેશ મહોત્સવના આ પાવન અવસર પણ ભારતના મેક ઇન ઇન્ડિયામાં એક નવા અધ્યાયનો ઉમેરો થયો છે. આજથી ભારતમાં બનેલા ઇલેક્ટ્રિક કાર 100 દેશોને એક્સપોર્ટ કરવામાં આવશે. સાથેજ આજે હાઇબ્રિડ બેટરીનું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ થઇ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ગાંધીનગરથી બેચરાજી પહોંચ્યા છે. બેચરાજીમાં તેઓ મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ઇ-વીટારાને લોન્ચ કરી. તેમજ મારુતિના ઇવી પ્લાન્ટ અને બેટરી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું છે. અહીં બનેલી કારને જાપાન સહિત 100 જેટલા દેશોમાં નિકાસ કરવામાં આવનારી છે. આ સિદ્ધિ સાથે, ભારત હવે સુઝુકીના ઇલેક્ટ્રિક વાહનો માટે વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે સેવા આપશે.
ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ એક મોટું પગલું ભરતા, વડાપ્રધાન ગુજરાતમાં TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનની શરૂઆત સાથે ભારતના બેટરી ઇકોસિસ્ટમના આગામી તબક્કાનું ઉદ્ઘાટન પણ કરશે. તોશિબા, ડેન્સો અને સુઝુકીના સંયુક્ત સાહસથી બનેલ આ પ્લાન્ટ સ્થાનિક ઉત્પાદન અને સ્વચ્છ ઉર્જા નવીનતાને વેગ આપશે. આ વિકાસ સુનિશ્ચિત કરે છે કે એંસી ટકાથી વધુ બેટરીઓ હવે ભારતમાં બનાવવામાં આવશે.
કાર લોન્ચિંગ કરતા પૂર્વે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વીટ કરીને લખ્યું છેકે, આજે ભારતની આત્મનિર્ભરતાની શોધ અને હરિયાળી ગતિશીલતાનું કેન્દ્ર બનવાની દિશામાં એક ખાસ દિવસ છે. હંસલપુરમાં આયોજિત કાર્યક્રમમાં, ઇ-વિટારાને ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (BEV) ભારતમાં બનાવવામાં આવી છે અને સોથી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આપણા બેટરી ઇકોસિસ્ટમને મોટું પ્રોત્સાહન આપતા, ગુજરાતમાં એક પ્લાન્ટમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સનું ઉત્પાદન પણ શરૂ થશે.
પીએમ મોદીએ ગઇકાલે નિકોલમાં રોડ શો અને જનસભા સંબોધી હતી. જેમાં તેમણે ઓપરેશન સિંદૂર, ખેડૂતો, નાના વેપારીઓ, પશુપાલકો અંગે વાત કરી હતી. તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આવનારા તહેવારોમાં ભારતમાં જ બનેલી વસ્તુઓનો ઉપયોગ પ્રતિ નાગરીક કરે તેવો અનુરોધ પણ કર્યો હતો.
સ્વદેશી અને આત્મનિર્ભર ભારત વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે : PM નરેન્દ્ર મોદી