Breaking News

pm kisan yojana

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે શનિવારે યોજાશે રાજ્ય કક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે આવતીકાલે યોજાશે રાજ્ય કક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરીને સંબોધન પણ કરશે વડાપ્રધાન ઉત્તરપ્રદેશના વારાણસી ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના”નો ૨૦મો હપ્તો રિલીઝ કરશે

:: કૃષિ મંત્રી રાઘવજી પટેલ :: ૨૦માં હપ્તા હેઠળ ગુજરાતના 52.16 લાખથી વધુ ખેડૂત પરિવારોને મળશે રૂ. 1,118 કરોડથી વધુની સહાય કાર્યક્રમમાં રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને મુખ્યમંત્રી ના હસ્તે સન્માનિત કરાશે રાજ્યભરમાં યોજાનાર કાર્યક્રમમાં આશરે ૨.૫ લાખથી વધુ ખેડૂતો જોડાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે આવતીકાલે રાષ્ટ્રીય કક્ષાનો “પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન દેશના ખેડૂતો સાથે સંવાદ કરીને સંબોધન કરશે તેમજ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 20મો હપ્તો રિલીઝ કરશે.

જે અનુસંધાને ગાંધીનગર ખાતે પણ આવતીકાલ તા. ૦૨ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો “પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાશે. જ્યારે, કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને રાજકોટ ખાતે જિલ્લા કક્ષાનો સમારોહ યોજાશે. રાજ્ય અને જિલ્લા કક્ષાના સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોને લાઇવ ટેલીકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કરશે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે PM KISAN યોજનાના ૨૦માં હપ્તા પેટે સમગ્ર દેશના 9.7 કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૨૦,૫૦૦ કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે. જે પૈકી ગુજરાતના આશરે 52.16 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 1,118 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.

રાજ્ય કક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી ના હસ્તે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણ તેમજ પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાતના દરેક જિલ્લામાં પણ “પીએમ કિસાન ઉત્સવ દિવસ”નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે, રાજ્યની ગ્રામ પંચાયતો અને ૩૦ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. રાજ્યભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં રાજ્ય મંત્રી મંડળના સભ્ય, સાંસદ અને ધારાસભ્ય સહિતના પદાધિકારી-અધિકારી ઓ ઉપરાંત આશરે ૨.૫ લાખથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ-કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ભારતના કુલ ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને અત્યાર સુધીમાં ૧૯ હપ્તાના માધ્યમથી કુલ રૂ. ૩.૬૯ લાખ કરોડની સહાય આપવામાં આવી છે. જે અન્વયે ગુજરાતના લાભાર્થી ખેડૂત પરિવારોને ૧૯ હપ્તાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ રૂ. ૧૯,૯૯૩ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: