
Parliament Attack | 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ ભવન પર થયેલા આતંકી હુમલાને આજે 24 વર્ષ પૂરા થયા છે. આતંકવાદીઓએ દેશના લોકતંત્રના મંદિરને નિશાન બનાવ્યું હતું, જેમાં બહાદુર સુરક્ષાકર્મીઓએ પોતાના પ્રાણનું બલિદાન આપીને સંસદની રક્ષા કરી હતી. આ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત અનેક અગ્રણી નેતાઓ સંવિધાન સદન (જૂના સંસદ ભવન) ખાતે એકઠા થયા હતા.
અગ્રણી નેતાઓએ આપી પુષ્પાંજલિ: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન દ્વારા સૌપ્રથમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ શહીદ વીરોના તસવીરો પર પુષ્પ અર્પણ કર્યા હતા.
સલામી ગાર્ડમાં ફેરફાર: સંવિધાન સદનમાં આયોજિત શ્રદ્ધાંજલિ સમારોહ દરમિયાન CISFના જવાનો દ્વારા ‘સન્માન ગાર્ડ’ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ મૌન પાળવામાં આવ્યું હતું. અગાઉ 2023 સુધી CRPFના જવાનો દ્વારા ‘સલામી શસ્ત્ર’ અર્પણ કરવામાં આવતું હતું.
શ્રદ્ધાંજલિ આપનાર અન્ય નેતાઓ: કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ, જીતેન્દ્ર સિંહ અને અર્જુન રામ મેઘવાલ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મહારાષ્ટ્રના લાતૂરમાં આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં ભાગ લીધો હતો.
હુમલામાં 9 લોકોનું બલિદાન: 13 ડિસેમ્બર 2001ના રોજ સશસ્ત્ર 5 આતંકવાદીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા. સંસદમાં તૈનાત સુરક્ષાબળોએ પોતાના જીવનું જોખમ લઈને આતંકવાદીઓને અંદર પ્રવેશતા અટકાવ્યા હતા. આ હુમલામાં દિલ્હી પોલીસના 6 જવાન, સંસદ સુરક્ષા દળના 2 જવાન અને 1 ટીવી પત્રકાર સહિત કુલ 9 લોકો શહીદ થયા હતા.
