Nicolas Maduro Court Hearing | વેનેઝુએલાના પ્રમુખ (President) નિકોલસ માદુરો (Nicolas Maduro) ને જ્યારે સોમવારે મેનહટનની ફેડરલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા ત્યારે માહોલ અત્યંત તણાવપૂર્ણ રહ્યો હતો. ડ્રગ્સની હેરાફેરી (Drug Trafficking) અને નાર્કો-ટેરરિઝમ (Narco-terrorism) ના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા માદુરોએ કોર્ટરૂમમાં આક્રમક વલણ અપનાવ્યું હતું.
જ્યારે જજ એલ્વિન હેલરસ્ટીને તેમની ઓળખ પૂછી, ત્યારે માદુરોએ મક્કમતાથી કહ્યું, “હા, હું નિકોલસ માદુરો છું. હું વેનેઝુએલા ગણરાજ્યનો પ્રમુખ છું. 3 જાન્યુઆરીના રોજ કરાકાસમાં મારા ઘરેથી મારું અપહરણ (Kidnap) કરવામાં આવ્યું છે અને મને અહીં બંદી બનાવીને રખાયો છે.” આ સુનાવણી લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી.
જેલના યુનિફોર્મમાં માદુરો દંપતી (Maduro in Prison Uniform)
63 વર્ષીય માદુરો (nicolas maduro) અને તેમની પત્ની સિલિયા બ્લુ અને ઓરેન્જ કલરના જેલના યુનિફોર્મમાં જોવા મળ્યા હતા. માદુરોની પત્ની સિલિયા ફ્લોરેસના ચહેરા પર ઈજાના નિશાન દેખાતા હતા. તેમના વકીલોએ દાવો કર્યો હતો કે ધરપકડ (Arrest) દરમિયાન તેમને ઈજા પહોંચી હતી અને તબીબી સારવારની માંગ કરી હતી. માદુરો કોર્ટમાં સતત નોટ્સ (Notes) લેતા જોવા મળ્યા હતા.
બ્રુકલિનની કુખ્યાત જેલમાં રખાયા (MDC Brooklyn Prison)
માદુરોને હાલ ન્યૂયોર્કના બ્રુકલિન સ્થિત મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટર (MDC) માં રાખવામાં આવ્યા છે. આ જેલ તેની ગંદકી અને હિંસા માટે કુખ્યાત છે. અગાઉ અહીં ક્રિપ્ટો કિંગ સેમ બેંકમેન-ફ્રાઈડ જેવા હાઈ-પ્રોફાઈલ કેદીઓ (High-profile prisoners) રહી ચૂક્યા છે.
વેનેઝુએલામાં ડેલસી રોડ્રિગેઝનું શાસન
બીજી તરફ, વેનેઝુએલામાં સત્તાનું પરિવર્તન થયું છે. ડેલસી રોડ્રિગેઝે (Delcy Rodriguez) અંતરિમ પ્રમુખ (Interim President) તરીકે શપથ લીધા છે. તેમણે અમેરિકા સામે આકરા પ્રહારો કરતા કહ્યું કે વેનેઝુએલા હવે કોઈનું ગુલામ નહીં બને. તેમણે માદુરો દંપતીને ‘અસલી હીરો’ ગણાવ્યા હતા.
ગંભીર આરોપો અને આગામી સુનાવણી (Serious Charges & Next Hearing)
માદુરો પર અમેરિકામાં ગેરકાયદેસર રીતે કોકેન (Cocaine) આયાત કરવાનું ષડયંત્ર અને વિનાશક હથિયારો રાખવાના ગંભીર આરોપો છે. જો આ આરોપો સાબિત થાય તો તેમને આજીવન કેદ (Life Imprisonment) થઈ શકે છે. જોકે, માદુરોએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આ કેસની આગામી સુનાવણી 17 માર્ચ ના રોજ નક્કી કરવામાં આવી છે.
