
ગુજરાત સરકાર સમાજના છેવાડાના માનવીના ઉત્થાન અને સશક્તિકરણ માટે સતત કાર્યરત છે. સુશાસનનો સાચો અર્થ ત્યારે જ સાર્થક થાય છે જ્યારે સરકારી યોજનાઓના લાભો પારદર્શિતા સાથે જરૂરિયાતમંદ નાગરિકો સુધી પહોંચે. આ દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારની ‘કુંવરબાઇનું મામેરું’ યોજના (Kunvarbainu Mameru scheme) આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે અનુસૂચિત જાતિની ૫૨,૦૦૦થી વધુ દીકરીઓનું મામેરું ભરીને કુલ રૂ. 60 કરોડથી વધુની આર્થિક સહાય પૂરી પાડી છે.
ભારતીય સંસ્કૃતિમાં દીકરીના લગ્ન એ પરિવાર માટે અત્યંત હર્ષ અને ગૌરવનો પ્રસંગ હોય છે. જોકે, આર્થિક રીતે નબળા પરિવારો માટે લગ્નનો ખર્ચ ઘણીવાર ચિંતાનો વિષય બનતો હોય છે. અનુસૂચિત જાતિના પરિવારોને આ ચિંતામાંથી મુક્ત કરવા માટે સરકાર આ યોજના હેઠળ પ્રત્યેક દીકરીને રૂ. 12,000ની સહાય આપે છે. આ રકમ સીધી જ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા લાભાર્થી દીકરીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જે ભ્રષ્ટાચારમુક્ત સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે.
આ યોજનાની વિશેષતા એ છે કે તે માત્ર પ્રથમ લગ્ન પૂરતી મર્યાદિત નથી, પરંતુ પુન: લગ્નના કિસ્સામાં પણ પાત્રતા ધરાવતી દીકરીઓને આ સહાયનો લાભ આપવામાં આવે છે. સરકારની આ સર્વગ્રાહી વિચારધારાને કારણે સમાજના આ વર્ગની દીકરીઓ આત્મસન્માન સાથે નવા જીવનની શરૂઆત કરી શકે છે.
યોજનાને વધુ વ્યાપક બનાવવા માટે સરકારે આવક મર્યાદામાં પણ ઉદારતા દાખવી છે. હવે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારો માટે વાર્ષિક રૂ. 6 લાખ સુધીની આવક ધરાવતા પરિવારો આ યોજનાનો લાભ લઈ શકે છે. એક જ પરિવારની બે દીકરીઓ સુધી આ સહાય મળવાપાત્ર છે. વળી, અરજી પ્રક્રિયાને અત્યંત સરળ અને ડિજિટલ બનાવવામાં આવી છે. ‘ઈ-સમાજ કલ્યાણ’ પોર્ટલ દ્વારા કોઈપણ પાત્રતા ધરાવતો પરિવાર લગ્નના બે વર્ષની અંદર ઓનલાઈન અરજી કરી શકે છે.
આમ, ‘કુંવરબાઇનું મામેરું’ યોજના દ્વારા ગુજરાત સરકારે સાબિત કર્યું છે કે તે દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને ગરીબ પરિવારોના સામાજિક સન્માન માટે કટિબદ્ધ છે. આ સહાય માત્ર આર્થિક મદદ નથી, પરંતુ રાજ્ય સરકાર તરફથી દીકરીને આપવામાં આવેલી એક પ્રેમરૂપી ભેટ અને સુરક્ષાનું કવચ છે.
