Breaking News

RSS Sangh Vijaya Dashami Utsav Mohan Bhagwat
Ambaji Temple
  • સર્વે શક્તિપીઠોમાં અંબાજી શીરમોર સમાન:મૂર્તિના સ્થાને અહીં વિસા યંત્રની પૂજા થાય છે
  • દાંતા સ્ટેટ સમયથી સિદ્ધપુરના બ્રાહ્મણો અંબાજી માતાની પૂજા કરે છે, પૂજા કરવા માટે ભટ્ટજીએ દીક્ષિત બનવું પડે છે
  • વર્ષ 1960થી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ બનાવવામાં આવ્યું

Bhadarvi Poonam 2025 Maha Melo 2025 | અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી 51 શક્તિપીઠોમાંનું એક છે. તંત્ર- ચુડામણીમાં આ 51 શક્તિપીઠોનો ઉલ્લેખ જોવા મળે છે. આ સર્વે શક્તિપીઠોમાં આરાસુરના અંબાજી ખાતે આવેલ શક્તિપીઠ પ્રાચીન શક્તિપીઠોમાં શીરમોર સમાન છે કારણકે અહીં માનું હૃદય પડ્યું હતું.

અંબાજી માતાનું મૂળ મંદિર બેઠા ઘાટનું છે. વિશાળ મંડપ અને ગર્ભગૃહમાં માતાજીનો ગવાક્ષ ગોખ છે. અહીં મૂર્તિના સ્થાને વિસા યંત્રની પૂજા થાય છે. આરસની તકતી ઉપર સુવર્ણ જડિત યંત્રને મુગટ તથા ચુંદડી સાથે સિંહ, વાઘ, હાથી, નંદી, ગરૂડ જેવા વિવિધ વાહનો સાથે શણગાર કરવામાં આવે છે જેથી માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે.

આ યંત્ર કર્મ પૃષ્ઠવાળું સોનાનું છે અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. યંત્ર સ્થાન નજરથી જોવાનો નિષેધ હોય આંખે પાટા બાંધી યંત્ર પૂજા કરવામાં આવે છે. દર મહિનાની આઠમે યંત્રની પૂજા થાય છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે. મંદિરની સામેની બાજુમાં ચાચરચોક આવેલો છે. અંબાજી માતા ચાચરના ચોક વાળી માતા તરીકે પણ જાણીતા છે. અહીં ચોકમાં હોમ હવન કરાય છે.

માતાજીનું સવારનું સ્વરૂપ બાળસ્વરૂપે દેખાય છે, મધ્યાહને યુવતી સ્વરૂપે અને સાંજે વૃદ્ધા સ્વરૂપે દેખાય છે. માતાજીની સાતેય દિવસની સવારી અલગ અલગ હોય છે. રવિવારે વાઘ સવારી, સોમવારે નંદી સવારી, મંગળવારે સિંહ સવારી, બુધવારે ઊંચી સૂંઢના હાથીની સવારી, ગુરુવારે ગરુડ સવારી, શુક્રવારે હંસ સવારી અને શનિવારે નીચી સૂંઢના હાથી (ઐરાવત)ની સવારીમાં માઁ અંબે દ્રશ્યમાન થાય છે.

પોષી પૂનમ માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાય છે. આ દિવસે ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી પણ દર્શનાર્થીઓના સંઘ પગપાળા તેમજ વાહનો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ભાદરવી પુનમના દિવસે અહી મેળાનું આયોજન થાય છે. અંબાજી ગામ શણગાર સજે છે. આ દિવસે ‘શતચંડી યજ્ઞ’ કરવામાં આવે છે અને માતાજીને છપ્પન ભોગ ધરાવવામાં આવે છે.

અંબાજી મંદિરનો વહીવટ આઝાદી પહેલાં દાંતા રાજ્ય તરફથી થતો હતો. આઝાદી બાદ દાંતા રાજ્ય ગુજરાતમાં ભળી જતા 1960થી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ બનાવવામાં આવ્યું જેના અધ્યક્ષ તરીકે બનાસકાંઠાના કલેક્ટરને નિયુક્ત કરાયા છે. જ્યારે વહીવટદાર તરીકે નાયબ કલેક્ટરની નિયુક્તિ કરાય છે.

અંબાજી મંદિરમાં જગત જનની જગદંબાની આરતી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા થાય છે. સ્નાનાદિ વિધિ બાદ આરતી કરવા પહોંચતા ભટ્ટજી મહારાજને અડવા પર નિષેધ છે. સાંજે મશાલચી દ્વારા મશાલ જગદંબાને અર્પણ કર્યા બાદ જ આરતી શરૂ થાય છે. દાંતા સ્ટેટના સમયથી સિદ્ધપુરના ભૂદેવો ભટ્ટજી પરિવારને જ આરતી અને પૂજાવિધિના હક મળેલા છે. સવારે મંગળા આરતી, સાંજે સાયં આરતી, બપોરે મધ્યાહ્ન આરતી થાય છે. વર્ષ દરમિયાન અખાત્રીજથી અષાઢી બીજ સુધી ત્રણ ટાઇમ આરતી કરવામાં આવે છે.


આ પણ વાંચો : અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2025: 30 લાખથી વધુ પ્રસાદ પેકેટ માટે ભવ્ય તૈયારીઓ શરૂ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: