Junagadh News: દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને સઘન દરોડા પાડી રહી છે. ત્યારે જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)એ માંગરોળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરી યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે.
જૂનાગઢ SOGને બાતમી મળતાં માંગરોળ શહેરમાં ખાનગી હોસ્પિટલ નજીકથી બે શંકાસ્પદ કાશ્મીરી યુવકોની અટકાયત કરવામાં આવી છે અને તેને પૂછપરછ માટે જૂનાગઢ SOG ખાતે લાવવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ બંને કાશ્મીરી શખ્સો માંગરોળ તેમજ આસપાસની મદ્રેસાઓમાંથી ફાળો ઉઘરાવતા હતા. આ બંને શંકાસ્પદ યુવકો જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના રહેવાસી છે. એકની ઉંમર 27 વર્ષ અને બીજાની ઉંમર 20 વર્ષ છે. બંને કાશ્મીરી ભાઈઓ ટ્રેન મારફત માંગરોળ પહોંચ્યા હતા અને અહીં એક હોટેલમાં રોકાયા હતા.
SOG દ્વારા આ બંને શંકાસ્પદ યુવકોના ગુજરાતમાં આવવાના હેતુ, તેમની પ્રવૃત્તિઓ અને દિલ્હી બ્લાસ્ટ સાથે સંભવિત જોડાણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
