Global Internet Outage | પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે હવે ડિજિટલ યુદ્ધના એંધાણ દેખાઈ રહ્યા છે. ઈરાની સૈન્ય યુનિટ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ પર્શિયન ગલ્ફ (Persian Gulf) માં સમુદ્રની નીચે બિછાવેલી ઇન્ટરનેટ કેબલ્સને નુકસાન પહોંચાડવાની ગર્ભિત ધમકી આપી છે. જો આ ‘ડિજિટલ કિલ સ્વિચ’ (Digital Kill Switch) દબાવવામાં આવે, તો વિશ્વનો અંદાજે 17% થી 30% ઇન્ટરનેટ ટ્રાફિક ઠપ થઈ શકે છે.
શા માટે હોર્મુઝ સ્ટ્રેટ મહત્વનું છે?: અત્યાર સુધી હોર્મુઝ સ્ટ્રેટ માત્ર તેલ પુરવઠા (Oil Supply) માટે જાણીતું હતું, પરંતુ હવે તે વૈશ્વિક ડેટા કોરિડોર બની ગયું છે. અહીંથી પસાર થતી ફાઇબર-ઓપ્ટિક કેબલ્સ (Fiber-Optic Cables) એશિયા, યુરોપ અને મિડલ ઈસ્ટને જોડે છે. જો આ કેબલ્સ કપાય, તો ઓનલાઇન ટ્રાન્ઝેક્શન, ક્લાઉડ સર્વિસીસ (Cloud Services) અને મોટા AI ડેટા સેન્ટર્સ પર તેની સીધી અસર પડશે.
ભારત પર સંભવિત અસર: ભારત માટે આ સ્થિતિ ચિંતાજનક છે, કારણ કે ભારત વિશ્વના સૌથી મોટા ઇન્ટરનેટ યુઝર્સ ધરાવતો દેશ છે. આ કેબલ્સ ઓમાન અને યુએઈ (UAE) જેવા દેશોમાંથી પસાર થાય છે, જે હાલમાં સંઘર્ષગ્રસ્ત વિસ્તારની નજીક છે. જો અહીં કોઈ દુર્ઘટના ઘટે, તો ભારતમાં ઇન્ટરનેટની સ્પીડ (Internet Speed) માં મોટો ઘટાડો થઈ શકે છે અને ડિજિટલ પેમેન્ટ (Digital Payment) સહિત આઈટી (IT) સેક્ટરને કરોડોનું નુકસાન વેઠવું પડી શકે છે.
હાલમાં કેબલ રિપેરિંગ કરતું જહાજ પણ સાઉદી અરેબિયા પાસે અટવાયેલું હોવાથી જો ખરેખર નુકસાન થાય, તો તેનું સમારકામ કરવું અત્યંત મુશ્કેલ બની રહેશે.
