Iran Regime Change | અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા વેનેઝુએલાના નિકોલસ માદુરો વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી બાદ હવે સમગ્ર વિશ્વની નજર ઈરાન (Iran) પર ટકેલી છે. ઈરાનમાં વધી રહેલા આંતરિક વિરોધ અને સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ (Ali Khamenei) વિરુદ્ધના રોષ વચ્ચે, દેશનિકાલ કરાયેલા ક્રાઉન પ્રિન્સ રજા પહલવીએ (Reza Pahlavi) એક મહત્વનું નિવેદન આપ્યું છે.
ઈરાનની પ્રજા શાસન ઉથલાવવામાં સક્ષમ
અમેરિકન અખબાર ‘ધ વૉલ સ્ટ્રીટ જનરલ’ (The Wall Street Journal) સાથેની વાતચીતમાં પ્રિન્સ રજા પહલવીએ સ્પષ્ટ કર્યું કે ઈરાનમાં લોકશાહી લાવવા માટે અમેરિકાએ કોઈ સૈન્ય હસ્તક્ષેપ (Military Intervention) કે સ્પેશિયલ ઓપરેશન કરવાની જરૂર નથી. તેમણે જણાવ્યું કે ઈરાનની જનતા પોતે જ આ ધર્મતાંત્રિક વ્યવસ્થા (Theocratic System) ને ખતમ કરવા માટે સક્ષમ છે.
ઇસ્લામિક શાસનનો સૌથી ખરાબ તબક્કો
પહલવીના મતે, ઈરાનનું વર્તમાન ઇસ્લામિક શાસન અત્યારે તેના ઇતિહાસના સૌથી નબળા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ખામેનેઈના નેતૃત્વ સામે માત્ર આર્થિક સંકટ જ નહીં, પણ વિશ્વસનીયતાનો પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે. અહેવાલો મુજબ, વધતા વિરોધને જોતા ખામેનેઈએ દેશ છોડવાની યોજના (Exile Plan) પણ તૈયાર કરી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
માત્ર મોંઘવારી નહીં, આઝાદીની લડાઈ
પ્રિન્સે વધુમાં ઉમેર્યું કે, “ઈરાન (Iran)ના લોકો માત્ર મોંઘવારી (Inflation) કે બેરોજગારી (Unemployment) માટે રસ્તા પર નથી ઉતર્યા, પરંતુ તેઓ આ ઇસ્લામિક શાસનનો અંત ઈચ્છે છે.” આ વિરોધ પ્રદર્શન અગાઉના આંદોલનો કરતા ઘણું અલગ અને તીવ્ર છે, જે સીધું સત્તાપલટો કરવાની માંગ કરી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ
લાંબા સમયથી બિનસાંપ્રદાયિક (Secular) અને લોકશાહી ઈરાનની વકાલત કરી રહેલા પહલવીએ આંતરરાષ્ટ્રીય સમુદાય (International Community) ને અપીલ કરી છે કે તેઓ ઈરાનની પ્રજાના અવાજને સમર્થન આપે. અત્યારે ઈરાન પાસે દાયકાઓ જૂના શાસનથી મુક્તિ મેળવવાની શ્રેષ્ઠ તક છે.
