
IndiGo Crisis | ઈન્ડિગો એરલાઈન્સમાં પાયલટની અછતના કારણે સર્જાયેલા સંકટ વચ્ચે, ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) એ મોટી કાર્યવાહી કરી છે. DGCA એ એરલાઈન માટે ‘પ્રિન્સિપલ ઓપરેશન્સ ઈન્સ્પેક્ટર’ (PIO) તરીકે નિયુક્ત ચાર ફ્લાઈટ ઓપરેશન્સ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા છે.
ડીજીસીએએ જણાવ્યું કે આ અધિકારીઓ પાયલટ સહિતના ક્રૂની સંખ્યા અને નિયત સંસાધનો પર યોગ્ય દેખરેખ રાખવામાં અને નિર્ણયો લેવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે આ સખત પગલું ભરવામાં આવ્યું છે. આ ચારેય અધિકારીઓ કોન્ટ્રાક્ટ પર DGCAમાં ઈન્ડિગોની સુરક્ષા અને ઓપરેશનલ દેખરેખ માટે જવાબદાર હતા.
કાર્યવાહીનું મુખ્ય કારણ: નવા નિયમો છતાં પાયલટની ભરતી ન થવી
-
સૂત્રો અનુસાર, ઈન્ડિગો એરલાઈન્સને નવા ‘ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન’ (FDTL) અથવા ક્રૂ રોસ્ટરિંગ નિયમો વિશે સંપૂર્ણ જાણકારી હતી, જેના કારણે પાયલટની જરૂરિયાત વધવાની હતી.
-
એરલાઈને પાયલટની વધતી જતી જરૂરિયાતથી વાકેફ હોવા છતાં, પૂરતી ભરતી કરી નહોતી.
-
આ પાયલટની અછતને કારણે એરલાઈન નવા FDTL મુજબ કામગીરી કરી શકે તેમ નહોતી, અને વ્યાપકપણે ફ્લાઈટ કેન્સલેશન ટાળવા માટે DGCA એ એરબસ A320 એરક્રાફ્ટ માટે આ નિયમોનો અમલ 10 ફેબ્રુઆરી, 2026 સુધી મુલતવી રાખવો પડ્યો હતો.
ઈન્ડિગોમાં તણાવ અને પાયલટનો અસંતોષ
આ સમગ્ર વિવાદ છતાં, ઈન્ડિગો પાયલટની અછત હોવાનો ઇનકાર કરી રહી છે. જોકે, એરલાઇનના પાયલટ્સ અને મેનેજમેન્ટ વચ્ચે અવિશ્વાસ અને સંપૂર્ણ અસહમતિનું વાતાવરણ છે. પાયલટ્સમાં પગાર, મેડિકલ રજાની નીતિ અને રાત્રિના લેન્ડિંગના વધારાના પેમેન્ટ જેવા મુદ્દાઓ પર અસંતોષ પ્રવર્તી રહ્યો છે. DGCA એરલાઇનને ઝડપથી પાયલટની ભરતી કરવા માટે નિર્દેશ આપ્યો છે.
