
શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે ભાદરવા મહિનાની સિદ્ધિ વિનાયક ચતુર્થી 27 ઑગસ્ટના રોજ છે. ઉલ્લેખનીય છે કે, ગણેશ ચતુર્થીથી 11 દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. અને ગણેશ ચતુર્થી પર ગણપતિનું સ્વાગત કરવામાં આવે છે અને ગણેશ મૂર્તિ સ્થાપિત કરીને વિધિ-વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થી પર પ્રીતિ, સર્વાર્થ સિદ્ધિ, રવિ સાથે ઇન્દ્ર-બ્રહ્મ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે આ દિવસનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. તો, નવપંચમ અને શોભન રાજયોગ પણ બની રહ્યો છે.
આજે શુક્લ ચતુર્થી (સંકષ્ટી ચતુર્થી)ના દિવસે ભક્તો દ્વારા ગણપતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ધ્રાંગધ્રામાં આવેલા એકદંતા ગણપતિના મંદિરનો વિશેષ મહિમા છે. આ મંદિરની અંદર જે ગણપતિ દાદાની મૂર્તિ છે, તે ભારતભરમાં માત્ર બે જગ્યા ઉપર જ છે. એક ધ્રાંગધ્રામાં અને બીજા દક્ષિણ ભારતમાં આવેલી છે.
આ ગણપતિ દાદાની મૂર્તિની વાત કરીએ તો સીધી સૂંઢવાળા અને એકદંત છે અને સાથે પોતાના સમગ્ર પરિવાર સાથે અહીંયા બિરાજમાન છે. વધુમાં આ એકદંત ગણપતિએ સર્પની જનોઈ ધારણ કરેલી છે અને સાથે દાદાની મૂર્તિ વિશાળ છે. અહીં શ્રધ્ધાળુઓ આસ્થાભેર દર્શનાર્થે આવે છે અને માનતા રાખે છે.
આ જગ્યા ઉપર વૈશાખ સુદ ચોથના રોજ અને ભાદરવા સુદ ચોથના રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે અને નાના મેળા પણ ભરાય છે. આજના દિવસે હવન પણ કરવામાં આવે છે. આ જગ્યા ઉપર આવેલું આ મંદિર આશરે 200 વર્ષ જેટલું જૂનું છે. ધ્રાંગધ્રા સ્ટેટના રણમલસિંહજીએ આ મંદિરની સ્થાપના કરી હતી. આજના દિવસે પણ લોકો બાધા રાખે છે અને ચાલીને આવે છે તેમજ ગોળ, લાડુનો પ્રસાદ આસ્થાભેર ધરાવે છે.
ગણેશ ચતુર્થી 2025 વૈદિક પંચાંગ પ્રમાણે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ તા. 26 ઑગસ્ટના રોજ બપોરે 1:53 વાગ્યે શરુ થશે. તે 27 ઑગસ્ટના રોજ બપોરે 3:43 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ પ્રમાણે 27 ઑગસ્ટના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવશે.
ગણેશ સ્થાપન માટે શુભ સમય
જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાનો શુભ સમય 27 ઑગસ્ટના રોજ નીચે આપેલા સમયમાં ગણેશ સ્થાપના કરી શકો છો.
સવારે 06:25થી 09:30
બપોરે 03:55થી 08:35
રાત્રે 10:15થી 11:45
ગણેશ વિસર્જનની વિધિ
અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, જેનો અર્થ એ છે કે ગણેશજી હવે પાછા તેમના ધામમાં જઈ રહ્યા છે.
પૂજા અને આરતી: વિસર્જન પહેલાં ફરી એકવાર ગણેશજીની આરતી કરવી અને તેમને મોદકનો ભોગ ધરાવવો.
પ્રાર્થના: મૂર્તિને સન્માનપૂર્વક ઉઠાવતાં પહેલાં ગણેશજીની ક્ષમા માંગવી અને તેમને પ્રાર્થના કરવી કે તેઓ આગલા વર્ષે ફરી પધારે.
વિસર્જન: ગણેશજીની મૂર્તિને પવિત્ર નદી, તળાવ અથવા પાણીના સ્ત્રોતમાં વિસર્જિત કરવી. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માટીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.
ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત (6 સપ્ટેમ્બર):
સવારે 07:58થી 09:30
બપોરે 12:40થી 05:15
સાંજે 06:55થી 08:25
ગણેશોત્સવ એ ભક્તિ, આનંદ અને સકારાત્મકતાનો પર્વ છે, જે સમગ્ર સમાજમાં ઉત્સાહ ભરી દે છે.