
બાકી રહેલા ખેડૂતોએ યોજનાનો લાભ મેળવવા સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવા ખેતી નિયામક કચેરીનો અનુરોધ
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, 21માં હપ્તાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે ખેડૂત આઇડીની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરુપે નોંધણી કરવામાં આવી રહી છે. ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રીશ્રી અથવા ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.
આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. એટલું જ નહીં, કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકાશે.