Epstein Files new Release by DOJ: | અમેરિકાના ન્યાય વિભાગે (DOJ) કુખ્યાત સેક્સ ટ્રાફિકિંગ ગુનેગાર જેફ્રી એપસ્ટિન સાથે જોડાયેલા હજારો ગુપ્ત દસ્તાવેજો જાહેર કરતા વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. ‘એપસ્ટિન ફાઈલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ’ હેઠળ જાહેર કરાયેલા આ રેકોર્ડ્સમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિઓથી લઈને પોપ આઈકન સુધીના અનેક મોટા નામો સામે આવ્યા છે.
દસ્તાવેજોમાં થયેલા ચોંકાવનારા ખુલાસા
કુલ 4 સેટમાં જાહેર કરાયેલી 3,500થી વધુ ફાઈલોમાં અનેક જાણીતી હસ્તીઓ વાંધાજનક સ્થિતિમાં જોવા મળી છે:
-
બિલ ક્લિન્ટન: પૂર્વ અમેરિકી પ્રમુખ ક્લિન્ટન એક તસવીરમાં એપસ્ટિનની સહયોગી ઘિસ્લેન મેક્સવેલ સાથે ‘હોટ ટબ’માં આરામ કરતા જોવા મળ્યા છે.
-
માઈકલ જેક્સન: પોપ સિંગર જેક્સન એક નગ્ન મહિલાની પેઈન્ટિંગ સામે એપસ્ટિન સાથે ઊભેલા દેખાય છે.
-
અન્ય હસ્તીઓ: બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રુ સાત મહિલાઓના ખોળામાં સૂતેલા દેખાયા છે. આ ઉપરાંત અબજોપતિ રિચર્ડ બ્રેન્સન, હોલિવૂડ એક્ટર ક્રિસ ટકર અને મિક જેગર જેવા નામોનો પણ ઉલ્લેખ છે.
-
રહસ્યમય તસવીર: જેફ્રીના રૂમમાં પોપ જોન પોલ સેકન્ડની તસવીર પણ મળી આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર પીડિતાના ગંભીર આરોપ
આ રિપોર્ટમાં વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ ઉલ્લેખ છે. એક પીડિતાએ દાવો કર્યો છે કે જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે એપસ્ટિન દ્વારા તેની મુલાકાત ટ્રમ્પ સાથે કરાવાઈ હતી. અન્ય એક રિપોર્ટમાં 5 મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે ટ્રમ્પ તેમની પરવાનગી વગર ડ્રેસિંગ રૂમમાં ઘસી આવ્યા હતા. જોકે, ટ્રમ્પ સામે હજુ સુધી કોઈ ગુનો દાખલ થયો નથી.
‘અડધું સત્ય બહાર આવ્યું’ – પીડિતો અને સાંસદ નારાજ
આટલા મોટા ખુલાસા છતાં પીડિતો અને ભારતવંશી સાંસદ રૉ ખન્નાએ નારાજગી વ્યક્ત કરી છે:
-
કાળી શાહીનો ઉપયોગ: અનેક દસ્તાવેજો અને તસવીરો પર કાળી શાહી ફેરવી (Redacted) દેવામાં આવી છે, જેનાથી પીડિતો માને છે કે ન્યાય વિભાગે માહિતી છુપાવી છે.
-
મહાભિયોગની તૈયારી: રૉ ખન્નાએ એટર્ની જનરલ પામ બોન્ડી વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવાની ચીમકી આપી છે, કારણ કે તમામ ફાઈલો પારદર્શક રીતે જાહેર કરવામાં આવી નથી.
એપસ્ટિનના મોતનું રહસ્ય
2019માં જેલમાં રહસ્યમય રીતે મૃત મળી આવેલા એપસ્ટિનના મોતને સત્તાવાર આત્મહત્યા ગણાવાઈ હતી. નવી જાહેર થયેલી વિડિયો ક્લિપ્સમાં જેલની ગતિવિધિઓ બતાવવામાં આવી છે, પરંતુ હજુ પણ અનેક સવાલો અકબંધ છે. આ ફાઈલ્સ જાહેર થતા જ DOJની વેબસાઈટ પર એટલો ટ્રાફિક વધ્યો હતો કે સર્વર ડાઉન થઈ ગયું હતું.
