Breaking News

RSS Sangh Vijaya Dashami Utsav Mohan Bhagwat
raghavji patel
  • દીનદયાલ ઉપાધ્યાય–ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) અંતર્ગત 350 લાભાર્થીઓને રોજગાર નિમણૂંક પત્ર એનાયત
  • ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે DDU-GKY અંતર્ગત “જોબમેળો અને એલ્યુમની મીટ” કાર્યક્રમ યોજાયો
  • DDU-GKY હેઠળ રાજ્યના 30 હજારથી વધુ લાભાર્થીઓને તાલીમ અને 23 હજારથી વધુ લાભાર્થીઓને રોજગારી પ્રાપ્ત થઈ: મંત્રી રાઘવજી પટેલ
  • DDU-GKYના લાભાર્થીઓ, તેમના વાલીઓ અને રોજગાર પૂરી પાડતી સંસ્થાના પ્રતિનિધિઓએ યોજના અંગે પોતાના અનુભવો વર્ણવ્યા

ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) અંતર્ગત “જોબમેળો અને એલ્યુમની મીટ” કાર્યક્રમ યોજાયો હતો.

ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ જોબમેળાને ગ્રામ વિકાસ મંત્રીએ ખુલ્લો મૂક્યો હતો અને સમારોહ દરમિયાન મહાનુભાવોના હસ્તે DDU-GKY હેઠળ તાલીમ પ્રાપ્ત કરીને રોજગારી મેળવેલ 350 લાભાર્થીઓને રોજગાર નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે રોજગારી મેળવનાર તમામ લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના યુવાધનને રોજગારીની સમાન તક અને લઘુત્તમ વેતનની બાહેંધરી પૂરી પાડતી “દીનદયાલ ઉપાધ્યાય–ગ્રામીણ કૌશલ્ય યોજના” આજે ગુજરાતના યુવાધન માટે આશીર્વાદ બની છે.

લાભાર્થીઓને ઓછામાં ઓછા રૂ. 10,000 માસિક પગારની બાહેંધરી આપતી આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યના કુલ 30,000થી વધુ યુવક-યુવતીઓને વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્ય વિકાસ તાલીમ અને 23,000થી વધુ લાભાર્થીઓને સફળતાપૂર્વક રોજગારી પ્રાપ્ત થઈ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે દેશમાં “સ્કિલ ઈન્ડિયા” અને “મેક ઇન ઈન્ડિયા” જેવા અભિયાનોથી ગામડાંના યુવાનોને આત્મનિર્ભરતાની નવી દિશા મળી છે. તેમની જ પ્રેરણાથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ રાજ્યના યુવાધનને રોજગાર અને કૌશલ્યના નવા અવસર પ્રદાન કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે આજે ગુજરાતનો દરેક યુવાન ફક્ત નોકરી શોધક નહીં, પરંતુ નોકરીસર્જક બનવા માટે પણ સક્ષમ બન્યો છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

Appointment letters awarded to 350 beneficiaries under

મંત્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે, તેમની વિચારધારા અને દીનદયાલ ઉપાધ્યાય–ગ્રામીણ કૌશલ્ય યોજનાનો હેતુ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. તેઓ માનતા હતા કે, ગ્રામ્ય ભારતના યુવાનોને શિક્ષણ, કૌશલ્ય અને રોજગારની સમાન તક આપીને તેમને આત્મનિર્ભર બનાવવા, એ જ રાષ્ટ્ર વિકાસનો સાચો માર્ગ છે.

આ વિચારને સાકાર કરવા અમલમાં મૂકાયેલી DDU-GKY યોજના આજે ગ્રામ્ય વિસ્તારના યુવાનોને માત્ર રોજગારી જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ, નવી આશા અને નવી દિશા આપી રહી છે.

આ ઉપરાંત મંત્રી દ્વારા સ્વસહાય જૂથને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વિવિધ પ્રોત્સાહન અને સહાય અંગે તેમજ રાજ્ય સરકારની જી-મૈત્રી અને જી-સફળ જેવી મહત્વકાંક્ષી પહેલ અંગે પણ વિસ્તૃત ભૂમિકા આપવામાં આવી હતી.

આ પ્રસંગે ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ મિલિન્દ તોરવણેએ સૌનું શાબ્દિક સ્વાગત કરીને સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. તેમણે DDU-GKY અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, વિકસિત ભારત @2047ના સંકલ્પને વિકસીત ગુજરાત થકી સાકાર કરવાની દિશામાં રાજ્યના યુવાધનનું યોગદાન મહત્વપૂર્ણ પૂરવાર થશે.

આજે ગ્રામીણ ગુજરાતમાં રોજગારી મેળવવા ઈચ્છુંક યુવાધનને રાજ્ય સરકારની દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના કૌશલ્યવર્ધન તાલીમ ઉપરાંત રોજગારીની બાહેંધરી આપી રહી છે. આ યોજના અંતર્ગત લાભાર્થી યુવાનોને તેમની જરૂરિયાત મુજબના ક્ષેત્રોમાં નિઃશુલ્ક તાલીમ આપીને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.

આ વેળાએ દીનદયાલ ઉપાધ્યાય-ગ્રામીણ કૌશલ્ય યોજનાના વિવિધ લાભાર્થીઓ, તેમના વાલીઓ અને રોજગારી આપતી સંસ્થાના પ્રતિનિધિઓએ DDU-GKY યોજનાના સકારાત્મક લાભો અને પોતાના અનુભવો વર્ણવીને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમારોહમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મતિ મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મતિ શિલ્પાબેન પટેલ, ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપનીના મેનેજીંગ ડિરેક્ટર સુધીર પટેલ સહિત GLPCના અધિકારી-કર્મચારીઓ, દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજનાના લાભાર્થીઓ, તેમના વાલીઓ તેમજ રોજગારી આપતી વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: