Trump Iran Warning | અમેરિકા અને ઈઝરાયલ સાથેના વધતા તણાવ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈરાન સાથેની પરમાણુ મંત્રણા અંગે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે તેમને આજે રાત સુધીમાં ઈરાન તરફથી એક પત્ર (Letter) મળવાની આશા છે.
મંત્રણામાં થઈ રહેલા વિલંબ અંગે તેમણે શંકા વ્યક્ત કરી કે ઈરાન જાણીજોઈને પ્રક્રિયા ધીમી કરી રહ્યું છે. જો આ મંત્રણા સફળ નહીં થાય તો અમેરિકા ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ (Project Freedom Plus) વ્યૂહનીતિ અમલમાં મૂકશે, જેમાં અગાઉ કરતા પણ વધુ આકરા પ્રતિબંધો અને રણનીતિઓનો સમાવેશ કરવામાં આવશે.
રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) અંગે ટ્રમ્પે તેને બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી દુ:ખદ ઘટના ગણાવી હતી. અત્યારે ચાલી રહેલા યુદ્ધવિરામ (Ceasefire) અંગે સંતોષ વ્યક્ત કરતા તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ શાંતિનો સમય 3 દિવસથી વધુ ચાલે તે સમગ્ર વિશ્વ માટે હિતમાં છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડા સિલ્વા સાથેની મુલાકાતને પણ અત્યંત સફળ ગણાવી હતી.
અમેરિકાની આંતરિક સ્થિતિ અંગે વાત કરતા ટ્રમ્પે અર્થતંત્ર (Economy) અને રોજગારીના મોરચે ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકામાં અત્યારે ઇતિહાસમાં સૌથી વધુ લોકો કામ કરી રહ્યા છે.
બીજી તરફ, હેન્ટાવાઇરસ (Hantavirus) અંગે ફેલાયેલી ચિંતાઓને દૂર કરતા તેમણે સ્પષ્ટતા કરી કે આ વાઇરસ કોવિડ (Covid) ની જેમ ઝડપથી ફેલાતો નથી અને આરોગ્ય વિભાગ આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ટ્રમ્પે નાગરિકોને આશ્વાસન આપ્યું કે હાલમાં બધી જ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં (Control) છે.
