
Dharmendra Discharged From Hospital: બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે સવારે જ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી પોતાના ઘરે પહોંચ્યા છે. ધર્મેન્દ્રની આગળની સારવાર હવે તેમના ઘરે જ થશે. ધર્મેન્દ્રના હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવાના સમાચાર સામે આવ્યા બાદ ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા ધર્મેન્દ્ર
ધર્મેન્દ્રની સારવાર કરી રહેલા ડોક્ટરે પોતે જ દિગ્ગજ અભિનેતાના સ્વાસ્થ્યને લઈને આ મોટું અપડેટ આપ્યું છે. ડોક્ટરે જણાવ્યું કે બુધવારની સવારે ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ડોક્ટરોની ટીમ હવે ઘરે જ ધર્મેન્દ્રની સારવાર કરશે.
ડોક્ટર પ્રતિનિત સમદાનીએ સમાચાર એજન્સીને અભિનેતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા કહ્યું- ધર્મેન્દ્રજીને આજે સવારે 7.30 વાગ્યે જ ડિસ્ચાર્જ કરી દેવાયા છે. તેમની સારવાર હવે ઘરે જ થશે. પરિવારે આ નિર્ણય લીધો છે કે તેમની સારવાર ઘરે જ કરવામાં આવે.
ધર્મેન્દ્રને શું થયું હતું?
89 વર્ષના ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત બીમારીઓથી ઝઝૂમી રહ્યા છે. 10 નવેમ્બરે તેમને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રની તબિયત બગડવાના સમાચાર સામે આવતા જ સમગ્ર દેશમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. દરેક વ્યક્તિ અભિનેતાની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યો હતો અને લાગે છે કે ઉપરવાળાએ ધર્મેન્દ્રના ચાહકોની દુઆ સાંભળી લીધી છે, કારણ કે આજે સવારે ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. અભિનેતા હવે પોતાના ઘર-પરિવારની વચ્ચે પાછા ફર્યા છે.
