Breaking News

A state government official knows how to tie 373 types of traditional turbans. Amit Shah unveils Veer Savarkar's statue in Andaman and Nicobar Islands cryptocurrency rama steel tubes acquire dubai based automech group IndiGo
CM Bhupendra Patel

– હાલમાં રાજ્યના 4.12 કરોડથી વધુ નાગરીકોનો આ યોજનામાં સમાવેશ: છેલ્લા 5 વર્ષમાં 16 હજાર કરતાં વધુ લાભાર્થીઓના પરિવારજનોને અંદાજે રૂ. 293 કરોડનું વીમા વળતર ચૂકવાયું

– અમદાવાદ વિમાન દુર્ઘટના, હરણી દુર્ઘટના જેવી વિવિધ સંકટની ઘડીમાં લભાર્થીના પરિવારોને ઝડપથી વીમા કવચની ચૂકવણી કરાઈ જીવનની અનિશ્ચિતતાઓ સામે ગુજરાત સરકારે સંવેદનશીલતા સાથે સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના દ્વારા રાજ્યના લાખો પરિવારોને મજબૂત ઢાલ પૂરી પાડી છે. આ યોજના થકી રાજ્ય સરકારે સાબિત કર્યું છે કે, સંકટની ઘડીમાં નાગરિકો એકલા નથી, પરંતુ સરકાર તેમની પડખે ઊભી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશથી રાજ્ય સરકાર દ્વારા સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ સંકટની ઘડીમાં પરિવારો માટે ઝડપથી વીમા કવચની ચૂકવણી કરવામાં આવી રહી છે. હાલમાં રાજ્યના 4.12 કરોડથી વધુ નાગરીકોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં 16 હજાર કરતાં વધુ લાભાર્થીઓના અકસ્માત-મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારજનોને અંદાજે રૂ. 293 કરોડનું વીમા વળતર ચૂકવવામાં આવ્યું છે, જે જનતા પ્રત્યે સરકારની સંવેદનશીલતા દર્શાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્ય સરકારના વિવિધ વિભાગ દ્વારા તેના હસ્તકના ખાતાના વડાઓ મારફતે જુદી જુદી અકસ્માત વીમા યોજનાઓ અમલમાં મુકવામાં આવી હતી. આ યોજનાઓનો લાભ લાભાર્થીઓને વ્યાપક રીતે મળી શકે તેમજ યોજના હેઠળના લાભ બેવડાય નહિ તે હેતુથી જુદી જુદી જૂથ અકસ્માત યોજનાઓની યુનિફોર્મ પેટર્ન નકકી કરી રાજ્ય સરકારની વીમા નિયામકની કચેરી દ્વારા સંકલિત સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના અમલી બનાવાઈ હતી. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીને વીમા કવચ મળવાથી અકસ્માત-મૃત્યુ સામે તેમના પરિવારજનોને આર્થિક રક્ષણ મળી રહ્યું છે.

આ યોજના અંતર્ગત અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૩૦થી વધુ મૃતકો સહિત ૪ મેડીકલના વિદ્યાર્થીઓના વારસદારોને ચુકવણું કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડોદરા ખાતે હરણી દુર્ઘટના વખતે મૃત્યુ પામેલ ૧૨ બાળકોના વારસદારોને પણ ત્વરિત ચુકવણું કરાયું હતું. તાજેતરના વર્ષોમાં મોરબી દુર્ઘટના, રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટના, તક્ષશીલા દુર્ઘટના વખતે પણ મૃતકોના પરિવારોને આ યોજના હેઠળ વીમા કવચ રકમની ચૂકવણી કરવામાં આવી હતી.

નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત વિવિધ કુદરતી હોનારતો અને અન્ય અકસ્માતોના કિસ્સામાં ઝડપી કાર્યવાહી કરીને દાવાઓનું સત્વરે નિરાકરણ લાવવામાં આવ્યું છે.

આ યોજના માત્ર આર્થિક સુરક્ષાની ખાતરી નથી, પણ સરકારની સામાજિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ ઉદાહરણ છે. રાજ્ય સરકારની સામુહિક જુથ અકસ્માત વીમા યોજના હેઠળ 14 મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોના લાખો લાભાર્થીઓ અને તેમના પરિવારોને અકસ્માત વીમા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

જેમાં ખેડૂત પરિવારો, અસંગઠીત શ્રમિકો, પ્રાથમિક-માધ્યમિક શાળા, કોલેજ અને ITIના વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ, જેલ ગાર્ડસ્, સફાઈ કામદારો, નિરાધાર વિધવાઓ, દિવ્યાંગો, હીરા ઉદ્યોગના કારીગરો તેમજ સાહસિક પ્રવૃત્તિમાં ભાગ લેતા યુવકોનો સમાવેશ થાય છે. આ ૧૪ ક્ષેત્રોમાં વિવિધ યોજનાઓ હેઠળ કુલ ૨ લાખથી ૧૫ લાખ સુધીનું વીમા કવચ મળે છે.

આ વીમા કવચ સંકટની ઘડીમાં પરિવારો માટે મોટી રાહત સાબિત થઈ રહી છે. આમ, રાજ્ય સરકારે પારદર્શિતા અને ઝડપ સાથે નાગરિકોને સહાય આપીને સાબિત કર્યું છે કે જનતાનું હિત જ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: