Child homicide sentencing | અમેરિકાના કેલિફોર્નિયા (California) માંથી ‘ઓનર કિલિંગ’ (honor killing) નો એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેનો આશરે 8 વર્ષ બાદ આખરે અંત આવ્યો છે.
બેકર્સફિલ્ડ (Bakersfield) માં એક નવજાત બાળકને જન્મ આપ્યા બાદ તુરંત જ તેની નાની દ્વારા ડૂબાડીને હત્યા કરી દેવામાં આવી હતી અને લાશને ઘરના પાછળના ભાગે (backyard) દફનાવી દેવાઈ હતી.
આ ઘૃણાસ્પદ બાળ હત્યા કેસમાં સંડોવાયેલા છેલ્લા આરોપી બખ્શિન્દરપાલ સિંહ માન (Bakhshinderpal Singh Mann) ને કોર્ટે 6 વર્ષની જેલની સજા સંભળાવી છે.
શું હતો સમગ્ર મામલો? આ ઘટના વર્ષ 2018 ની છે. તત્કાલીન 23 વર્ષીય બખ્શિન્દરપાલ સિંહ માનના સંબંધો એક 15 વર્ષની સગીરા સાથે હતા, જેના કારણે તે ગર્ભવતી બની હતી.
સગીરાએ આ ગર્ભાવસ્થા પરિવારથી છુપાવી રાખી હતી અને 12 નવેમ્બર 2018 ના રોજ ઘરના બાથરૂમમાં જ એક બાળકને જન્મ આપ્યો હતો.
બાળકના જન્મની જાણ થતાં જ તેની નાની બીઅંત કૌર ધિલ્લોન (Beant Kaur Dhillon) એ નવજાત શિશુને પોતાની કસ્ટડીમાં લઈ લીધું હતું.
ધિલ્લોને બાદમાં તપાસકર્તાઓ સમક્ષ કબૂલાત કરી હતી કે તેની અપરિણીત પુત્રી ગર્ભવતી થવાને કારણે સ્થાનિક શીખ સમુદાય (Sikh community) માં પરિવારની બદનામી થશે તેવા ડરથી તેણે બાળકને પાણીમાં ડૂબાડીને મારી નાખ્યું હતું.
પ્રોસિક્યુટર્સે કોર્ટમાં દલીલ કરી હતી કે પરિવારની ખોટી પ્રતિષ્ઠા અને આબરૂ બચાવવાની કુપ્રથા જ આ માસૂમની હત્યાનું મુખ્ય કારણ હતું.
લાશ છુપાવવામાં પિતા અને નાનાની મદદ હત્યા બાદ બાળકના પિતા બખ્શિન્દરપાલ સિંહે લાશને ઘરના પાછળના ભાગમાં ઊંડો ખાડો ખોદીને દફનાવવામાં મદદ કરી હતી.
આ સિવાય છોકરીના પિતા જગસીર સિંહ (Jagsir Singh) પણ આ ગુનાને છુપાવવામાં સામેલ હતા. પીડિત સગીરા જ્યારે ભાનમાં આવી ત્યારે તેને ખોટું કહેવામાં આવ્યું કે બાળકને દત્તક (adoption) આપી દેવાયું છે. પરંતુ મહિનાઓ પછી પરિવારના ઝઘડામાં તેને સત્ય ખબર પડી કે તેના બાળકને પાછળના વાડામાં દફનાવી દેવાયું છે.
તેણે આ વાત સ્કૂલ કાઉન્સિલરને જણાવી, જેમણે પોલીસને જાણ કરી અને 26 ફેબ્રુઆરી 2019 ના રોજ બાળકના અવશેષો બહાર કઢાયા હતા.
આરોપીઓનો અંજામ આ ઘટના બહાર આવ્યા બાદ મુખ્ય આરોપી નાની બીઅંત કૌરને 2020 માં ફર્સ્ટ-ડિગ્રી મર્ડર માટે દોષિત ઠેરવીને 29 વર્ષથી લઈને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
જ્યારે સગીરાના પિતા જગસીર સિંહે 2019 માં જામીન પર બહાર આવ્યા બાદ આત્મહત્યા (suicide) કરી લીધી હતી. બાળકનો પિતા માન કેનેડા (Canada) ભાગી ગયો હતો, જેને 2021માં ત્યાં પકડવામાં આવ્યો અને 2024 માં અમેરિકા લવાયો હતો.
સગીરા સાથે શારીરિક સંબંધ રાખવા અને પુરાવા છુપાવવાના ગુના હેઠળ હવે તેને પણ 6 વર્ષની સજા થતાં આ કેસની તમામ કાનૂની કાર્યવાહી પૂર્ણ થઈ છે.
