Anti-paper leak bill | દેશભરમાં પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીક (Paper Leak) ની ઘટનાઓ સામે ચાલી રહેલા વિરોધ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં કડક કાયદો લાવવાની તૈયારી કરવામાં આવી છે.
લોકસભા (Lok Sabha) માં ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) અમેન્ડમેન્ટ બિલ, 2026’ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ (Dr Jitendra Singh) દ્વારા આ બિલ સંસદમાં રજૂ કરાયું હતું.
જોકે, વિપક્ષી હોબાળાના કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ (Kiren Rijiju) એ વિપક્ષને ચર્ચામાં જોડાવા અપીલ કરી હતી.
આ બિલ પર થનારી ચર્ચા માટે શાસક પક્ષ NDA દ્વારા યુવા સાંસદો (Young MPs) ને જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ ચર્ચામાં વાંસૂરી સ્વરાજ (Bansuri Swaraj), તેજસ્વી સૂર્યા (Tejasvi Surya), સાયોની ઘોષ (Saayoni Ghosh), મિતાલી બાગ, લવુ શ્રી કૃષ્ણ દેવરાયલુ, લાલન સિંહ, શ્રીકાંત શિંડે અને સુનીલ તટકારે જેવા યુવા નેતાઓ ભાગ લઈ શકે છે. આ બિલનો મુખ્ય હેતુ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે કડક કાનૂની માળખું પૂરું પાડવાનો છે.
પ્રસ્તાવિત સંશોધન બિલ મુજબ, ગેરરીતિ આચરનાર કે પેપર લીક કરનાર વ્યક્તિને 5 થી 10 વર્ષ સુધીની જેલ અને ₹50 લાખ સુધીના દંડની સજા થઈ શકે છે. જ્યારે સંગઠિત સિન્ડિકેટ સંડોવાયેલા હશે ત્યારે ઓછામાં ઓછી 7 થી 10 વર્ષની જેલ અને ₹10 કરોડ સુધીના દંડની જોગવાઈ રાખવામાં આવી છે.
આ કાયદા દ્વારા પ્રશ્નપત્ર લીક કરવા, OMR શીટ સાથે છેડછાડ કરવી અને નકલી એડમિટ કાર્ડ જારી કરવા જેવા ૧૫ પ્રકારના ગેરકાયદે કૃત્યો સામે સખત પગલાં લેવાશે. NEET પરીક્ષામાં થયેલી અનિયમિતતાઓને કારણે ઊભી થયેલી સ્થિતિ બાદ સરકારે આ કડક કાયદાકીય સુધારાઓ તરફ મોટું પગલું ભર્યું છે.
