Girish Bhimani Molestation Case | અમરેલીની વિદ્યાસભા કોલેજના પૂર્વ નિયામક ગિરીશ ભીમાણી (Girish Bhimani) સામે વિદ્યાર્થિનીઓની છેડતીના ગંભીર આક્ષેપોને પગલે આજે મામલો વધુ ગરમાયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજ કેમ્પસનો ઘેરાવ કરી ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા.
શું છે આબુ પ્રવાસનો વિવાદ?
ABVPના આક્ષેપ મુજબ, વિદ્યાસભા કોલેજની વિદ્યાર્થિનીઓ જ્યારે માઉન્ટ આબુના (Mount Abu) પ્રવાસે ગઈ હતી, ત્યારે ગિરીશ ભીમાણીએ ત્યાં પહોંચીને વિદ્યાર્થિનીઓ સાથે અસભ્ય વર્તન અને છેડતી કરી હતી. આ ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ હવે સામે આવ્યા છે. વિવાદ વધતા સંસ્થાએ 13મી જાન્યુઆરીએ જ ભીમાણીને તમામ પદો પરથી દૂર કર્યા હતા. અગાઉ રાજકોટમાં પણ NSUI દ્વારા તેમનું મોં કાળું કરવામાં આવ્યું હતું.
પોલીસ ફરિયાદ અને ABVP નો રોષ
આજે અમરેલીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ABVP એ આક્ષેપ કર્યો કે પોલીસ ફરિયાદ (FIR) નોંધવામાં આનાકાની કરી રહી છે. અમરેલી પોલીસ દ્વારા આબુ ખાતે ફરિયાદ કરવાનું કહેવામાં આવ્યું હોવાનું સંગઠને જણાવ્યું છે. વિદ્યાર્થીઓએ કેમ્પસમાં રામધૂન ગાઈને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પોલીસનું નિવેદન
બીજી તરફ, અમરેલી પોલીસે (Amreli Police) જણાવ્યું છે કે અત્યાર સુધી કોઈ પીડિત વિદ્યાર્થિની સત્તાવાર ફરિયાદ નોંધાવવા આવી નથી. જો કોઈ પીડિત પક્ષ સામે આવશે, તો પોલીસ ચોક્કસપણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. જોકે, ABVP એ ચીમકી આપી છે કે જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
