Anti-Terror Grid Amit Shah | કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે દિલ્હીમાં બે દિવસીય ‘એન્ટી-ટેરરિઝમ કોન્ફરન્સ-2025’ (આતંકવાદ વિરોધી સંમેલન)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સંમેલનમાં ગૃહ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ઝીરો ટોલરન્સ’ વિઝનને દોહરાવતા આતંકવાદ અને સંગઠિત ગુનાખોરી વિરુદ્ધ નિર્ણાયક યુદ્ધનું રણશિંગું ફૂંક્યું હતું.
પોતાના સંબોધનમાં અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન મોદીના આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ વિઝન હેઠળ આ સંમેલન હવે ઉભરતા જોખમો સામે લડવા માટેનું એક અસરકારક મંચ બની ગયું છે. તેમણે ઉમેર્યું કે આ માત્ર ચર્ચાનું મંચ નથી, પરંતુ અહીંથી જે એક્શન પોઈન્ટ્સ નક્કી થાય છે તેના પર આખું વર્ષ NIA અને રાજ્યની એજન્સીઓ કામ કરે છે, જેનાથી દેશમાં એક મજબૂત એન્ટી-ટેરરિઝમ ગ્રીડ તૈયાર થઈ રહી છે.
ગૃહ મંત્રીએ ચેતવણી આપી હતી કે આતંકવાદી ઘટનાઓમાં ટેકનોલોજીના વધતા ઉપયોગથી આતંકવાદનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે અને સુરક્ષા એજન્સીઓએ તેનાથી બે ડગલાં આગળ રહેવું પડશે. તેમણે તમામ એજન્સીઓને વિનંતી કરી કે ભવિષ્યની પેઢીઓ માટે એક એવી અભેદ્ય ‘એન્ટી-ટેરરિઝમ ગ્રીડ’ બનાવવામાં આવે જે દરેક અદ્રશ્ય પડકારનો સામનો કરવા સક્ષમ હોય.
ઈ-ડેટાબેઝનું લોકાર્પણ કર્યું
આ પ્રસંગે અમિત શાહે NIA દ્વારા તૈયાર કરાયેલ અપડેટેડ ક્રાઈમ મેન્યુઅલ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નેટવર્ક ડેટાબેઝ અને ચોરાયેલા/લૂંટાયેલા તથા જપ્ત કરાયેલા હથિયારોના ઈ-ડેટાબેઝનું લોકાર્પણ કર્યું હતું. તેમણે રાજ્યોના પોલીસ મહાનિર્દેશકો (DGP) ને આ સંસાધનોનો અસરકારક ઉપયોગ કરી સંગઠિત ગુનાખોરી અને આતંકવાદના નેટવર્કને જડમૂળથી ખતમ કરવા જણાવ્યું હતું.
અમિત શાહે વધુમાં કહ્યું કે, સંગઠિત ગુનાખોરીના નેટવર્ક ઘણીવાર ખંડણી અને વસૂલાતથી શરૂ થાય છે, પરંતુ પાછળથી વિદેશમાં બેઠેલા તેમના આકાઓ આતંકવાદી સંગઠનો સાથે જોડાઈ જાય છે અને તે જ પૈસાથી દેશમાં આતંક ફેલાવવામાં આવે છે. આવા નેટવર્ક સામે ‘360 ડિગ્રી સ્ટ્રાઈક’ ની કાર્ય યોજના લાવવામાં આવી રહી છે.
પહલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો
તેમણે પહલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ હુમલા દ્વારા આતંકીઓએ કાશ્મીરમાં વિકાસ અને પ્રવાસનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા કાવતરું ઘડનારાઓ અને ‘ઓપરેશન મહાદેવ’ દ્વારા હુમલો કરનારાઓને ખતમ કરી દીધા હતા. તેમણે કહ્યું કે આ પ્રથમવાર બન્યું છે જ્યારે આતંકી કાવતરાના બંને છેડા પર કડક કાર્યવાહી કરવામાં આવી હોય.
ગૃહ મંત્રીએ દેશભરમાં સમાન ATS માળખું (Common ATS Structure) લાગુ કરવા પર ભાર મૂકતા કહ્યું કે ઓપરેશનલ યુનિફોર્મિટી વિના જોખમોનું યોગ્ય મૂલ્યાંકન કે અસરકારક જવાબ આપવો શક્ય નથી. તેમણે ‘નીડ ટુ નો’ (જાણવાની જરૂરિયાત) ને બદલે ‘ડ્યુટી ટુ શેર’ (માહિતી શેર કરવાની ફરજ) ના સિદ્ધાંતને અપનાવવાનું આહ્વાન કર્યું હતું.
