
Ambalal Patel Prediction | ગુજરાતમાં શિયાળો હવે પોતાનું અસલી સ્વરૂપ બતાવવા તૈયાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 22 ડિસેમ્બર પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. હાલમાં ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં સક્રિય થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાલયમાં ભારે હિમવર્ષા થશે, જેની સીધી અસર ગુજરાતના તાપમાન પર જોવા મળશે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 20થી 22 ડિસેમ્બર દરમિયાન એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પરંતુ જેવું ડિસ્ટર્બન્સ પસાર થશે કે તરત જ રાજ્યમાં ઠંડીનો પારો ગગડશે. માત્ર ડિસેમ્બર જ નહીં, પરંતુ જાન્યુઆરી 2026માં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે.
ચિંતાજનક બાબત એ છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર એપ્રિલ માસ સુધી રહેવાની શક્યતા છે. આ દરમિયાન ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) અને કરા પડી શકે છે. આમ, આગામી દિવસોમાં ગરમી, ઠંડી અને વરસાદ એમ મિશ્ર ઋતુઓનો સામનો કરવા ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે.
