
PM Modi in Japan : પ્રધાનમંત્રી મોદી આજે શુક્રવારે (29 ઓગસ્ટ 2025) બે દેશો (જાપાન-ચીન) ની ચાર દિવસની મુલાકાત માટે જાપાન પહોંચ્યા છે. જાપાન પહોંચતાની સાથે જ તેમણે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું કે, હું ટોક્યો પહોંચી ગયો છું. ભારત અને જાપાન તેમના વિકાસલક્ષી સહયોગને સતત મજબૂત બનાવી રહ્યા છે. હું આ મુલાકાત દરમિયાન PM ઇશિબા અને અન્ય લોકોને મળવા માટે આતુર છું, જે હાલની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની અને સહયોગના નવા માર્ગો શોધવાની તક પૂરી પાડશે.
જાપાન પહોંચતાની સાથે જ PM Modi ભારતીય મૂળના લોકોને મળ્યા હતા. આ દરમિયાન, ભારતીયોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને PM મોદીએ પણ અભિવાદન સ્વીકાર્યું હતું. જણાવી દઈએ કે, વિદેશ મુલાકાતો દરમિયાન મૂળ ભારતીયો સાથે વાતચીત કરવી એ PM મોદીની રાજદ્વારીનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે, જે લોકો-થી-લોકોના જોડાણને મજબૂત બનાવી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન સાથે વેપાર અને રોકાણ સંબંધોને વધારવા અને ચીન સાથેના સંબંધોને સામાન્ય બનાવવાના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી મોદીની જાપાન અને ચીનની મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર અને ટેરિફ નીતિઓને કારણે ભારત-અમેરિકા સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. જાપાન અને ચીન જતા પહેલા, પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ મુલાકાત રાષ્ટ્રીય હિતો અને પ્રાથમિકતાઓને આગળ લઈ જશે.