
ન્યુ યોર્ક: ભારતીય-અમેરિકન રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ કહ્યું કે અમેરિકાએ ચીનને છૂટ આપીને ભારત જેવા “મજબૂત સાથી” સાથેના તેના સંબંધોને નુકસાન ન પહોંચાડવું જોઈએ, જ્યારે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ભારે ટેરિફ લાદવાના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પગલાનો વિરોધ કર્યો. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતીય માલસામાન પર ભારે ટેરિફ લાદવાના પ્રસ્તાવની આકરી ટીકા કરી છે. હેલીએ ચેતવણી આપી હતી કે આ પગલું ભારત-અમેરિકા સંબંધોને બગાડી શકે છે, જે હાલમાં ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કે છે. તેમણે કહ્યું કે એક તરફ તમે ચીન જેવા દુશ્મનને રાહત આપી રહ્યા છે જ્યારે બીજી બાજુ ભારત જેવા મિત્ર દેશ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છો.. આ કેવું…?
તેમણે ટ્રમ્પને ચેતવણી આપી હતી કે અમેરિકા ચીન જેવા દુશ્મન દેશને છૂટછાટ ન આપે અને ભારત જેવા સાથી સાથેના સંબંધો ન બગાડે. હેલીએ ટ્રમ્પ વહીવટીતંત્ર પર બેવડા ધોરણ અપનાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમેરિકાએ ચીન સાથે વેપાર માટે 90 દિવસની ટેરિફ મુક્તિ આપી છે, જ્યારે ભારત સામે કડક વલણ દાખવવામાં આવી રહ્યું છે.