ટેક્સાસમાં માતા-પિતા અને નાનીની ગોળી મારીને હત્યા કરવાના આરોપનો સામનો કરી રહેલા 19 વર્ષીય ગૌરવ ચોપરાને હવે મૃત્યુદંડનો સામનો કરવો પડશે નહીં.
હિડાલ્ગો કાઉન્ટીના સરકારી વકીલોએ આ કેસમાં મૃત્યુદંડની સજા માગવાનો નિર્ણય પડતો મૂક્યો છે. જોકે, આરોપો હજુ યથાવત્ છે અને કેસની કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.
ટેક્સાસના અલ્ટન શહેરમાં આ વર્ષે 16 જૂનના રોજ બનેલી આ ઘટનાએ સમગ્ર દક્ષિણ ટેક્સાસના સમુદાયને હચમચાવી દીધો હતો.
હિડાલ્ગો કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્નીની કચેરીએ 10 નવેમ્બરના રોજ મૃત્યુદંડ નહીં માગવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જોકે, સરકારી વકીલોએ આ નિર્ણય પાછળનું કારણ જાહેર કર્યું નથી.
ગૌરવ ચોપરા પર પોતાના પિતા સ્વીતા રામ (56), માતા કમલેશ રાની (46) અને નાની મિન્દર કૌર (73)ની ગોળી મારીને હત્યા કરવાનો આરોપ છે. ત્રણેયનાં માથામાં ગોળી વાગવાથી મોત થયાં હોવાનું હિડાલ્ગો કાઉન્ટીના શેરિફે જણાવ્યું હતું.
તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, ગૌરવે પોતાના 21 વર્ષીય ભાઈ પર પણ ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો ભાઈ બચી ગયો હતો. 16 જૂનની રાત્રે આશરે 9:13 વાગ્યે ભાઈએ પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે ગૌરવે પરિવારના સભ્યોને ગોળી મારી હતી અને ત્યારબાદ સફેદ લેક્સસ કારમાં ફરાર થઈ ગયો હતો.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને ઘરના ઉપરના માળે માતા અને નાનીના મૃતદેહ મળ્યા હતા, જ્યારે પિતા ગંભીર હાલતમાં જીવિત હતા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું.
પોલીસે ગૌરવની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ કથિત રીતે પોલીસથી બચવા વાહન દોડાવ્યું હતું.
આ દરમિયાન 4 માઇલ લાઇન રોડ અને ગ્લાસકોક રોડ નજીક અનેક વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. અન્ય વાહનમાં સવાર 2 લોકોને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના સ્થળેથી 9mmની પિસ્તોલ મળી આવી હતી અને ગૌરવની ધરપકડ કરવામાં આવી હતી.ગૌરવ તે સમયે યુનિવર્સિટી ઓફ ટેક્સાસ રિયો ગ્રાન્ડે વેલીમાં અભ્યાસ કરતો હતો.
તેના પર એકથી વધુ વ્યક્તિઓની હત્યા, એકથી વધુ વ્યક્તિઓની હત્યાનો પ્રયાસ અને ધરપકડથી બચવાનો પ્રયાસ કરવાના આરોપો મૂકવામાં આવ્યા છે. 21 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં તેણે પોતાને નિર્દોષ જાહેર કર્યો હતો.
તપાસમાં હત્યા પાછળનું કારણ હજુ સુધી જાહેર થયું નથી. આરોપીના પિતા સ્થાનિક વેપારી હતા અને તેમની પાસે મોટેલ તથા ઇવેન્ટ સેન્ટર હતું.
ગૌરવના કેસની આગામી સુનાવણી 16 નવેમ્બરના રોજ યોજાવાની છે. ટેક્સાસના કાયદા મુજબ, મૃત્યુદંડની માગણી ન કરવામાં આવે અને આરોપી કેપિટલ મર્ડરમાં દોષિત ઠરે તો તેને પેરોલ વિના આજીવન કેદની સજા થઈ શકે છે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
