હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી
કાર્તિક દીપોત્સવની ઉજવણીના ભાગરૂપે હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા મંગળવાર, તા. 10 નવેમ્બર 2026ના રોજ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણે ઇન્દ્રના કોપથી વૃંદાવનવાસીઓનું રક્ષણ કરવા માટે ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો તે દિવ્ય લીલાની સ્મૃતિમાં ભક્તોએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ વિશે વાત કરતાં હરે કૃષ્ણ મંદિર, ભાડજના અધ્યક્ષ સ્વામી શ્રી જગનમોહન કૃષ્ણ દાસે જણાવ્યું હતું કે, “એક વખત પરમેશ્વર ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે વૃંદાવનવાસીઓ ઇન્દ્રયજ્ઞની તૈયારી કરી રહ્યા છે. ત્યારે તેમણે ઇન્દ્રની પૂજા છોડી ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું સૂચન કર્યું. આ જાણીને ઇન્દ્ર ક્રોધિત થયા અને તેમણે વૃંદાવન પર વિનાશકારી વરસાદ વરસાવ્યો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે પોતાના ડાબા હાથની નાની આંગળી પર ગોવર્ધન પર્વતને છત્રની જેમ સાત દિવસ સુધી ધારણ કરીને વૃંદાવનના તમામ રહેવાસીઓને આશ્રય આપ્યો. પોતાની ભૂલનો અહેસાસ થતાં ઇન્દ્રે ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ ક્ષમા યાચના કરી.

આ રીતે ભગવાને સ્થાપિત કર્યું કે જે ભક્ત પરમેશ્વરને સંપૂર્ણ શરણે હોય અને ભક્તિમય સેવામાં જોડાયેલો હોય, તે તમામ બંધનોથી મુક્ત રહે છે અને ભૌતિક લાભ માટે કોઈ દેવતાની પૂજા કરવાની આવશ્યકતા રહેતી નથી. ગોવર્ધન લીલા તરીકે ઓળખાતી આ દિવ્ય લીલાનું વર્ણન શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં કરવામાં આવ્યું છે. આમાં ભગવાન શ્રીકૃષ્ણ જણાવે છે કે ગોવર્ધન પર્વત તેમનું પોતાનું જ સ્વરૂપ છે અને તેમની જેમ જ પૂજનીય છે. ભગવાન શ્રીકૃષ્ણની આ દિવ્ય લીલાની સ્મૃતિમાં હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર પરિસરમાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ પ્રકારની વાનગીઓ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી.”

ત્યારબાદ ભક્તો દ્વારા હરિનામ સંકીર્તન સાથે ભગવાન શ્રી શ્રી રાધા માધવજીની સુવર્ણ રથ પર ભવ્ય અને આનંદમય નગરયાત્રા યોજાઈ હતી, જે સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિનું સુંદર નિર્માણ કરવામાં આવ્યું હતું. 1008થી વધુ પ્રકારની કેક, કૂકીઝ, મીઠાઈઓ અને વિવિધ વાનગીઓ ભગવાન શ્રી રાધા માધવજી તથા શ્રી ગોવર્ધનજીને અર્પણ કરવામાં આવી હતી, જે ભક્તો માટે અત્યંત આકર્ષક અને આનંદદાયક દૃશ્ય બની રહ્યું હતું. આ કેક અને કૂકીઝ મંદિરની બેકરીમાં ભક્તો દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને તે સંપૂર્ણપણે શાકાહારી હતી.
ભગવાન શ્રી શ્રી રાધા માધવજીને અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાન અને ગોવર્ધન પર્વતની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. આ દરમિયાન ભક્તોએ ગોવર્ધન પર્વતની મહિમાનું ગાન કરતા આઠ શ્લોકો ધરાવતા શ્રી ગોવર્ધનાષ્ટકમનું ગાન કર્યું હતું.
ભગવાન શ્રીકૃષ્ણની ગોપાલ સ્વરૂપે, એટલે કે ગાયોના રક્ષક તરીકે પણ પૂજા કરવામાં આવે છે. આ પ્રસંગે ગૌપૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગાયોને રેશમી વસ્ત્રોથી સુંદર રીતે શણગારવામાં આવી હતી અને પરંપરાગત રીતે તેમને ગોળ તથા કેળાં અર્પણ કરવામાં આવ્યાં હતાં. ગાયોને આગળ રાખીને ભક્તોએ ગોવર્ધન પર્વતની પરિક્રમા કરી હતી. કાર્યક્રમના અંતે કેક તથા અન્ય તમામ વાનગીઓ ભક્તોને પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવી હતી.
કાર્તિક માસ દરમિયાન ઉજવાતા દીપોત્સવ મહોત્સવના ભાગરૂપે કાર્યક્રમના અંતે ભગવાનની ભવ્ય દીપોત્સવ આરતી કરવામાં આવી હતી.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
