સહકારથી સમૃદ્ધિ તરફ ગુજરાતની ગવર્મેન્ટ એમ્પલોઈઝ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની વિકાસયાત્રા
—–
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે દશાબ્દી મહોત્સવ ચિંતન શિબિર યોજાઈ
—–
“અથાગ પરિશ્રમ અને મહેનતથી સંસ્થા વટવૃક્ષ બને છે” : કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા
—–
“સહકારી ક્ષેત્રથી લોકોમાં વિશ્વાસનું નિર્માણ થાય છે : મંત્રીશ્રી

રાજપીપલા, સોમવાર. date 14 :ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. તેમના પ્રવાસના બીજા દિવસે એકતાનગર સ્થિત સહકાર ભવન ખાતે ગુજરાત ગવર્મેન્ટ એમ્પલોઈઝ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ (GECOCSL)ના દશાબ્દી મહોત્સવ નિમિત્તે આયોજિત ચિંતન શિબિરમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થાએ સ્થાપનાનાં યશસ્વી દસ વર્ષ પૂર્ણ કરી દ્વિતીય દશકમાં પ્રવેશ કર્યો છે. આ નિમિત્તે “દશાબ્દી મહોત્સવ : ઋણ સ્વીકાર” તથા દશાબ્દી સ્મારિકા વિમોચન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ પ્રસંગોચિત ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, શિક્ષક હંમેશા લોકોને રોજિંદા જીવનની મુશ્કેલીઓમાંથી બહાર લાવવાનો પુરુષાર્થ કરે છે. કોઈપણ સંસ્થાને મજબૂત અને સફળ બનાવવામાં અથાગ પરિશ્રમ, મહેનત અને નિષ્ઠાનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે. આવા સતત પ્રયાસોથી જ એક સંસ્થા સમય જતાં વટવૃક્ષ બને છે.

તેમણે સહકારી ક્ષેત્રની ભૂમિકા અંગે જણાવ્યું હતું કે, દેશમાં ૩૫ લાખ જેટલી સહકારી સંસ્થાઓ કાર્યરત છે અને વિવિધ ક્ષેત્રોમાં ૧૫૦થી વધુ જનહિતલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાઈને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે. સહકારી ક્ષેત્ર માત્ર આર્થિક પ્રવૃત્તિ પૂરતું સીમિત નથી, પરંતુ લોકોમાં પરસ્પર વિશ્વાસ અને સહકારની ભાવનાનું નિર્માણ કરતું મહત્વપૂર્ણ માધ્યમ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના સહકારી ક્ષેત્રને નવી દિશા અને નવી ગતિ મળી હોવાનું જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ ‘સહકારથી સમૃદ્ધિ’નું સ્વપ્ન આજે ચરિતાર્થ થઈ રહ્યું છે. સહકારી ક્ષેત્રને વધુ સશક્ત બનાવીને દેશના વિકાસમાં જનભાગીદારીને વેગ આપવામાં આવી રહ્યો છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત આજે વિકાસના પ્રગતિપથ પર સતત આગળ વધી રહ્યું છે, જેની ઝલક તાજેતરમાં યોજાયેલી BRICS સમિટ સહિતના વૈશ્વિક મંચો પર પણ જોવા મળી છે. આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે દેશના દરેક નાગરિક, સંસ્થા અને સહકારી ક્ષેત્રે પોતાની જવાબદારી નિભાવી સહિયારો પ્રયાસ કરવો જરૂરી છે.

આ પ્રસંગે પાટણ-૩ લોકસભા મતવિસ્તારના સાંસદશ્રી ભરતસિંહજી ડાભીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન ગામડાંઓને ગ્રામ સ્વરાજ તરફ લઈ જવાનું હતું અને આ સ્વપ્નને સાકાર કરવામાં સહકારી ક્ષેત્રનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે.
તેમણે સંસ્થાના મહત્વ અંગે જણાવ્યું હતું કે, સંસ્થા એટલે વિશ્વાસનું ટ્રસ્ટ, જેમાં સૌનો વિશ્વાસ અને સહભાગિતા જોડાયેલી હોય છે. કોઈપણ ક્ષેત્રમાં કાર્ય કરીએ ત્યારે શ્રેષ્ઠ કામગીરી કરવાનો સંકલ્પ રાખવો જોઈએ. સન્માન હંમેશા કાર્યકર્તાઓને નવી ઊર્જા અને પ્રેરણા આપે છે.

દશાબ્દી મહોત્સવના આ પ્રસંગે સંસ્થાની અત્યાર સુધીની વિકાસયાત્રાને ઉજાગર કરતી “સાંકળી શેરીએથી ફાંકડી બજારે” શોર્ટ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સંસ્થાની દસ વર્ષની સફર, કામગીરી અને સિદ્ધિઓને આવરી લેતી દશાબ્દી સ્મારિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત સરકારના સહકારી મંડળીઓ (ઔદ્યોગિક)ના સંયુક્ત રજિસ્ટ્રાર શ્રી આર.ડી. ત્રિવેદી, નિયામકશ્રી ખાંડ સહકારી મંડળીઓ શ્રી સુનિલકુમાર ચૌધરીએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ડૉ. રામસિંહ રાજપૂત (પૂર્વ રજિસ્ટ્રાર), સંસ્થાના સ્થાપક પ્રમુખ શ્રી હરિભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી દિપકકુમાર જાદવ, મંત્રી ડૉ. પ્રકાશ રાજપૂત સહિત સંસ્થાના રોકાણકારો, સભાસદો અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
