અમેરીકા-કેલિફોર્નિયાના IASH અને GSSCના સંયુક્ત ઉપક્રમે 250થી વધુ સિનિયરોની ઉપસ્થિતિમાં
ભવ્ય તબીબી અને સંગીતમય કાર્યક્રમ યોજાયો
અમેરીકા-કેલિફોર્સનિયાના નોર્વોક ના સનાતન ધર્મ મંદિર હોલમાં 25 જુલાઈ, 2026 ઇન્ડો અમેરિકન સિનિયર હેરિટેજ (IASH) અને ગુજરાતી સોસાયટી ઑફ સાઉધર્ન કેલિફોર્નિયા (GSSC)ના સંયુક્ત ઉપક્રમે તા. 25 જુલાઈ, 2026ના રોજ સનાતન મંદિર હોલ ખાતે આશરે 250થી વધુ સિનિયર નાગરિકોની ઉપસ્થિતિમાં અત્યંત સફળ, જ્ઞાનવર્ધક અને મનોરંજક તબીબી તથા સંગીતમય કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમનું સફળ આયોજન IASHના પ્રમુખ શ્રી જગદીશ પુરોહિત તથા ઉપપ્રમુખ શ્રી રસિક પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆત સ્વાદિષ્ટ ભોજન અને ચા સાથે થઈ. ત્યારબાદ જાણીતા ગાયક ડૉ. ધીરેન બુચે પોતાના મધુર, સુરીલા અને પ્રભાવશાળી સ્વરમાં લોકપ્રિય બોલિવૂડ ગીતોની રજૂઆત કરીને સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી દીધું.

કાર્યક્રમના સંચાલક શ્રી જગદીશ પુરોહિતે મુખ્ય વક્તા ડૉ. રાજેશ ગુલાટીનો પરિચય કરાવ્યો. ડૉ. ગુલાટીએ “વૃદ્ધાવસ્થામાં ચિંતા, એકલતા, માનસિક તણાવ અને ઊંઘના વિકારોના નિદાન અને સારવારમાં થયેલી તાજેતરની પ્રગતિ” વિષય પર સુંદર દૃશ્યાત્મક સ્લાઇડ્સની મદદથી અત્યંત વિસ્તૃત, વૈજ્ઞાનિક અને વ્યવહારુ માહિતી આપી. વ્યાખ્યાન બાદ યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં તેમણે શ્રોતાઓના પ્રશ્નોના સરળ અને અસરકારક જવાબો આપ્યા. સમગ્ર વ્યાખ્યાનને ઉપસ્થિતોએ ખૂબ જ રસપૂર્વક સાંભળ્યું અને ઉષ્માભેર વધાવ્યું.
ત્યારબાદ ડૉ. ધીરેન બુચે દોઢ કલાક સુધી એક પછી એક લોકપ્રિય બોલિવૂડ ગીતોની મનમોહક રજૂઆત કરીને સમગ્ર સભાખંડને સંગીતના સુમધુર સૂરોથી ગુંજતો કરી દીધો. તેમની પ્રભાવશાળી ગાયકીથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા અને કાર્યક્રમને યાદગાર બનાવ્યો.
કાર્યક્રમના અંતે મુખ્ય વક્તા ડૉ. રાજેશ ગુલાટી તથા ગાયક ડૉ. ધીરેન બુચનું સ્મૃતિચિહ્ન અને યુ.એસ. સેનેટરની કચેરી તરફથી પ્રાપ્ત ‘સર્ટિફિકેટ ઓફ રેકગ્નિશન’ અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ સન્માન IACSના ચેરમેન તથા પ્રમુખ શ્રી પરિમલ શાહ અને શ્રી યોગી પટેલની ઉપસ્થિતિમાં યોજાયું.
ડૉ. રાજેશ ગુલાટીને સ્મૃતિચિહ્ન અર્પણ કરનાર મહાનુભાવોમાં ઘનશ્યામસિંહ ઝાલા, સુરુ માણેક, જગદીશ પુરોહિત, રશ્મિ ગાંધી, ચતુરભાઈ પટેલ, પરિમલ શાહ, ડૉ. રોહિણી જોશી, ડૉ. રશ્મિ દેસાઈ, નલિની સોલંકી, નીલા પારીખ, ડૉ. દેવેશ પટેલ, ડૉ. ગડાસલ્લી, ડૉ. મહેતા તથા ડૉ. ધીરેન બુચનો સમાવેશ થતો હતો.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ સિનિયરોએ આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવતા આવા ઉચ્ચ કક્ષાના તબીબી વ્યાખ્યાનો સાથે ગુણવત્તાસભર સંગીતનો સમન્વય આજના સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે. તેમણે IASH અને GSSCને ભવિષ્યમાં પણ આવા વધુ કાર્યક્રમો યોજવાની વિનંતી કરી.
આ સમગ્ર કાર્યક્રમે ફરી એકવાર સાબિત કર્યું કે ઇન્ડો અમેરિકન સિનિયર હેરિટેજ (IASH) અને ગુજરાતી સોસાયટી ઑફ સાઉધર્ન કેલિફોર્નિયા (GSSC) વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય, જ્ઞાનવર્ધન, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને સામાજિક સુખાકારી માટે સતત સમર્પિત રહીને સમાજસેવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે.
( માહિતી અને તસ્વિર :- કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા )
