Multigrain Roti Recipe: મલ્ટિગ્રેન લોટની રોટલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘઉં, બાજરી, જુવાર, મકાઈ અને અન્ય અનાજોને મિક્સ કરીને તૈયાર કરવામાં આવતી આ રોટલી માત્ર હેલ્ધી જ નથી હોતી, પરંતુ ખૂબ જ ટેસ્ટી પણ હોય છે. પરંતુ મલ્ટિગ્રેન લોટમાંથી રોટલી બનાવતી વખતે અવારનવાર લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત રોટલી વણતી વખતે ફાટી જાય છે તો ક્યારેક તે જાડી, વાંકીચૂંકી કે કડક બની જાય છે.
એવામાં રોટલીનો સ્વાદ પણ બગડી જાય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને મલ્ટિગ્રેન લોટની રોટલી બનાવવાની કેટલીક સરળ ટિપ્સ જણાવીશું, જેની મદદથી તમારી મલ્ટિગ્રેન રોટલી પણ દરેક વખતે ગોળ, સોફ્ટ અને ફૂલેલી-ફૂલેલી બનશે.
લોટ બાંધ્યા પછી તરત જ રોટલી ન બનાવો
મલ્ટિગ્રેન લોટને બાંધ્યા પછી તરત જ રોટલી બનાવવાની ભૂલ ન કરો. લોટ બાંધ્યા પછી તેને લગભગ 20 મિનિટ સુધી ઢાંકીને રાખી દો. આનાથી લોટ સારી રીતે સેટ થઈ જાય છે અને રોટલીઓ વધુ મુલાયમ બને છે.
રોટલી વણતી વખતે લુઆ પર અટામણ લગાવો
મલ્ટિગ્રેન રોટલી બનાવતી વખતે લુઆ (ગુલ્લા) પર થોડું વધારે અટામણ (પરોથન) લગાવો. આનાથી રોટલી વણતી વખતે પાટલા પર ચોંટશે નહીં અને સરળતાથી વણી શકાશે. સાથે જ રોટલી ફાટવાની શક્યતા પણ ઘટી જશે.
રોટલીને બહુ પાતળી ન વણો
ઘણા લોકો મલ્ટિગ્રેન રોટલીને ખૂબ જ પાતળી અને મોટી વણવાનો પ્રયત્ન કરે છે, જેના કારણે રોટલી તૂટવા લાગે છે. એટલા માટે મલ્ટિગ્રેન રોટલીને થોડી નાની અને હલકી જાડી વણો. આનાથી રોટલી સોફ્ટ, ગોળ અને ટેસ્ટી બનશે.
આ સરળ ટિપ્સની મદદથી તમે ઘરે સરળતાથી પરફેક્ટ અને મુલાયમ મલ્ટિગ્રેન રોટલી બનાવી શકો છો.
મલ્ટિગ્રેન રોટલીને ડાયટમાં કેમ સામેલ કરવી જોઈએ?
મલ્ટિગ્રેન લોટમાંથી બનેલી રોટલી સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. તે ઘઉં, બાજરી, જુવાર, મકાઈ અને અન્ય અનાજમાંથી તૈયાર કરવામાં આવે છે, તેથી તેમાં ફાઈબર, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેને ડાયટમાં સામેલ કરવાથી પાચનતંત્ર સારું રહે છે, શરીરમાં લાંબા સમય સુધી એનર્જી જળવાઈ રહે છે અને ઓવરઓલ હેલ્થને સુધારવામાં મદદ મળે છે.
