Elderly Sikh man assaulted in Smethwick, England; two teenagers taken into custody
Sikh man assaulted in England | ઇંગ્લેન્ડના (England) સ્મેથવિક (Smethwick) શહેરમાંથી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં એક વૃદ્ધ શીખ વ્યક્તિ રસ્તા કિનારે ગંભીર હાલતમાં લોહીલુહાણ મળી આવ્યા છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ ચકચારી ઘટના 14 જૂનની રાત્રે બની હોવાનું સામે આવ્યું છે. આ મામલે વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે (West Midlands Police) તાત્કાલિક કાર્યવાહી કરીને બે 17 વર્ષના સગીર છોકરાઓની ધરપકડ કરી લીધી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળે છે કે, વૃદ્ધ શીખ વ્યક્તિ રસ્તાની બાજુમાં ઝાડીઓ અને કચરાના ઢગલા પાસે અત્યંત ગંભીર હાલતમાં પડ્યા છે. તેમના કપડાં ફાટેલા હતા અને માથા તેમજ શરીર પર લોહીના ડાઘા દેખાતા હતા.
ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક ઇમરજન્સી સર્વિસને જાણ કરી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વૃદ્ધના શરીર પર દાઝ્યાના નિશાન પણ જોવા મળ્યા હતા, જેથી તેમની પર હુમલો કરીને જીવતા સળગાવવાનો પ્રયાસ કરાયો હોવાની આશંકા છે. પોલીસ હાલ આ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
પકડાયેલા બે સગીરોમાંથી એકને કોર્ટમાં રજૂ કરીને બાળ સુધાર ગૃહમાં મોકલી દેવાયો છે, જેની આગામી સુનાવણી 17 જુલાઈએ થશે. જ્યારે બીજો આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે. સોશિયલ મીડિયા પર લોકો આ ક્રૂર હુમલાની સખત નિંદા કરી રહ્યા છે અને કડક સજાની માંગ કરી રહ્યા છે.
