China Taiwan Conflict | વિશ્વભરમાં અત્યારે વર્ચસ્વની લડાઈ તેજ બની રહી છે. એક તરફ ઈરાન-અમેરિકા વચ્ચે સંઘર્ષ ચાલુ છે, ત્યાં બીજી તરફ ચીને તાઇવાન (Taiwan) પર સૈન્ય દબાણ વધારી દીધું છે. તાજેતરમાં તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે ચીનના બે શક્તિશાળી યુદ્ધ જહાજો પેંઘુ દ્વીપ સમૂહ (Penghu Islands) નજીક જોવા મળ્યા હતા. આ ઘટના બાદ તાઇવાને તાત્કાલિક ધોરણે હાઈ ઍલર્ટ જાહેર કરી દીધું છે.
મળતી માહિતી મુજબ, પેંઘુ દ્વીપ સમૂહના દક્ષિણ-પશ્ચિમ જળ વિસ્તારમાં ચીનનું એક ડિસ્ટ્રોયર (Destroyer) અને એક ફ્રિગેટ (Frigate) જહાજ ઘૂસી આવ્યા હતા. આ હિલચાલને પગલે તાઇવાનની નૌકાદળ અને વાયુસેનાને તહેનાત કરવામાં આવી છે. તાઇવાની સશસ્ત્ર દળોએ ચીની જહાજો પર કડક નજર રાખીને વળતો જવાબ પણ આપ્યો છે. મંત્રાલયે આ ઘૂસણખોરીની કેટલીક આકાશી તસવીરો પણ જાહેર કરી છે.
ચીન લાંબા સમયથી તાઇવાનને પોતાનો ભાગ ગણાવી રહ્યું છે અને અવારનવાર તેના જળ તથા વાયુ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરતું રહે છે. ચીનનું કહેવું છે કે તેની આ સૈન્ય પ્રવૃત્તિઓ ‘ન્યાયસંગત’ છે, જ્યારે તાઇવાન સરકાર આ દાવાને ફગાવી રહી છે. તાઇવાને સ્પષ્ટ કર્યું છે કે તેનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર માત્ર ત્યાંના લોકો પાસે જ છે. તાઇવાન સ્ટ્રેટમાં ચીનની આ મજબૂત સૈન્ય હાજરીને કારણે સમગ્ર વિસ્તારમાં ગંભીર તણાવ ઊભો થયો છે.
