Important Medical Tests for Women | આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં મહિલાઓ ઘર અને ઓફિસની જવાબદારીઓમાં ઘણીવાર પોતાના સ્વાસ્થ્યની અવગણના કરે છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના (World Economic Forum) એક રિસર્ચ મુજબ, લગભગ 25% ભારતીય મહિલાઓ કોઈને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહી છે. ખાસ કરીને 40 વર્ષ પછી શરીરમાં ઘણા ફેરફારો થાય છે, તેથી સમયસર નિદાન માટે નીચે મુજબના ટેસ્ટ કરાવવા અનિવાર્ય છે.
1. કમ્પ્લીટ બોડી ચેકઅપ (Complete Body Checkup)
40 વર્ષ પછી દર વર્ષે આ ચેકઅપ કરાવવું જોઈએ. તેમાં બ્લડ પ્રેશર (Blood Pressure), લિપિડ પ્રોફાઇલ (Lipid Profile), હિમોગ્લોબિન અને બોડી માસ ઇન્ડેક્સ (BMI) જેવી તપાસનો સમાવેશ થાય છે, જે હૃદય રોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓથી બચાવે છે.
2. બોન ડેન્સિટી ટેસ્ટ (Bone Density Test)
ઉંમર વધવાની સાથે મહિલાઓના હાડકાં નબળા પડવા લાગે છે. ઓસ્ટિયોપોરોસિસ (Osteoporosis) એટલે કે હાડકાં બરડ થઈ જવાની બીમારીથી બચવા માટે આ ટેસ્ટ ખૂબ જ જરૂરી છે. આ તપાસથી હાડકાંની મજબૂતી વિશે ખ્યાલ આવે છે.
3. પેપ સ્મીયર ટેસ્ટ (Pap Smear Test)
મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરનું (Cervical Cancer) જોખમ ઘણું વધારે હોય છે. 40 પછી આ ટેસ્ટ નિયમિત કરાવવાથી કેન્સરનું શરૂઆતના તબક્કામાં જ નિદાન કરી શકાય છે, જેનાથી તેની સારવાર સરળ બને છે.
4. કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ – CBC (Complete Blood Count)
ભારતીય મહિલાઓમાં લોહીની ઉણપ એટલે કે એનિમિયા (Anemia) ખૂબ સામાન્ય છે. CBC ટેસ્ટ દ્વારા લોહીમાં ઇન્ફેક્શન કે એનિમિયા જેવી સમસ્યાઓનો તુરંત ખ્યાલ આવી જાય છે.
5. થાયરોઇડ ફંક્શન ટેસ્ટ (Thyroid Function Test)
હોર્મોનલ ફેરફારોને કારણે મહિલાઓમાં થાયરોઇડની (Thyroid) સમસ્યા વધી જાય છે. આ ટેસ્ટ દ્વારા શરીરના મેટાબોલિઝમને નિયંત્રિત કરતા થાયરોઇડ હોર્મોનનું સ્તર જાણી શકાય છે, જેથી વજન વધવા જેવી સમસ્યાઓને રોકી શકાય.
નિષ્ણાતની સલાહ: બીમારી ગંભીર બને તેની રાહ જોવા કરતા સમયસર તપાસ કરાવવી વધુ હિતાવહ છે. યોગ્ય આહાર અને કસરતની સાથે આ મેડિકલ ટેસ્ટ મહિલાઓને લાંબુ અને નિરોગી આયુષ્ય આપી શકે છે.
