Australia Social Media Ban | ઓસ્ટ્રેલિયા (Australia) સરકારે બાળકોના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દુનિયાનો પ્રથમ સોશિયલ મીડિયા પ્રતિબંધ (Social Media Ban) અમલમાં મૂક્યો છે. ફેડરલ ગવર્નમેન્ટે શુક્રવારે જાહેર કર્યું કે આ કાયદાના અમલીકરણના શરૂઆતના દિવસોમાં જ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના આશરે 47 લાખ એકાઉન્ટ્સ ડીએક્ટિવેટ (Deactivate) કરી દેવામાં આવ્યા છે.
કઈ કંપનીઓએ કેટલા એકાઉન્ટ્સ હટાવ્યા?
સરકારના ઈ-સેફ્ટી કમિશનર (E-Safety Commissioner) દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ, 10 ડિસેમ્બરથી અમલી બનેલા આ પ્રતિબંધ બાદ સોશિયલ મીડિયા કંપનીઓએ સક્રિયતા દાખવી છે:
- મેટા (Meta): ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ પરથી અંદાજે 5,44,000 એકાઉન્ટ્સ બંધ કર્યા.
- અન્ય પ્લેટફોર્મ્સ: ટિકટોક (TikTok), એક્સ (X) અને યુટ્યુબ (YouTube) સહિત કુલ 10 પ્લેટફોર્મ્સ પર આ કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝનું નિવેદન
ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝે (Anthony Albanese) આ પગલાને આવકારતા જણાવ્યું કે, સોશિયલ મીડિયા કંપનીઓ નિયમોનું પાલન કરવા ‘સાર્થક પ્રયાસો’ કરી રહી છે. તેમણે વિદ્યાર્થીઓને આપેલા સંદેશમાં કહ્યું કે, “એલ્ગોરિધમ (Algorithm) અને સોશિયલ મીડિયા ફીડના દબાણ વચ્ચે જીવતા બાળકોને સુરક્ષિત રાખવા માટે આ ફેરફાર જરૂરી હતો.”
નિયમ તોડનાર કંપનીઓને કરોડોનો દંડ
વર્ષ 2024માં પસાર થયેલા આ કાયદા હેઠળ જો કોઈ સોશિયલ મીડિયા કંપની વય મર્યાદા (Age Limit) લાગુ કરવામાં નિષ્ફળ જશે, તો તેને ભારે દંડ ફટકારવાની જોગવાઈ છે.
- દંડની રકમ: નિયમનું ઉલ્લંઘન કરનાર કંપની પર 49.5 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે $33.17 મિલિયન) સુધીનો દંડ થઈ શકે છે.
ઈ-સેફ્ટી કમિશનર જૂલી ઇનમેન ગ્રાન્ટે સ્વીકાર્યું હતું કે હજુ પણ કેટલાક બાળકોના એકાઉન્ટ્સ સક્રિય હોઈ શકે છે, પરંતુ શરૂઆતના પરિણામો ખૂબ જ પ્રોત્સાહક છે. ઓસ્ટ્રેલિયા આ પ્રકારનો કડક કાયદો લાવનાર વિશ્વનો પ્રથમ દેશ (First Country) બની ગયો છે.
