Bagdana Controversy: ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદે આજે (15 જાન્યુઆરી) હિંસક વળાંક લીધો છે. ‘નવનીતભાઈને ન્યાય આપો’ના નારા સાથે કોળી સમાજ (Koli Samaj) ના ચાર યુવકોએ બગદાણા ધામના ગેટની બહાર જાહેરમાં જ્વલનશીલ પ્રવાહી (Flammable Liquid) છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ (Self Immolation Attempt) કરતા ચકચાર મચી ગઈ છે.
પોલીસે સમયસૂચકતા વાપરી મોટી દુર્ઘટના ટાળી
ઘટનાસ્થળે હાજર પોલીસ કાફલાએ યુવાનો દીવાસળી ચાંપે તે પહેલાં જ તેમને દબોચી લીધા હતા. આ યુવકો લાંબા સમયથી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં સાચા આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા હતા. પોલીસે ચારેય યુવકોની અટકાયત (Detention) કરી તેમને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બગદાણામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police Security) ગોઠવી દેવામાં આવ્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત 29 ડિસેમ્બર, 2025 ના રોજ થઈ હતી, જ્યારે નવનીત બાલધિયા નામના યુવક પર આઠ શખ્સોએ હુમલો કર્યો હતો. નવનીતનો આરોપ છે કે પ્રખ્યાત કલાકાર માયાભાઈ આહીરના માફીના વીડિયો બાદ તેમના પુત્ર જયરાજ આહીરે આખું ષડયંત્ર (Conspiracy) રચ્યું હતું. નવનીતનું કહેવું છે કે હુમલાખોરો હુમલા દરમિયાન કોઈની સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યા હતા, જેની તપાસ થવી જોઈએ.
કોળી સમાજમાં રોષ: ‘સાચા આરોપીઓ કેમ પકડાતા નથી?’
કોળી સમાજના અગ્રણી અને એડવોકેટ કિશન મેરે પોલીસ તંત્ર પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, “તંત્ર નિર્દોષ આગેવાનોની અડધી રાત્રે ધરપકડ કરે છે, પરંતુ આ કેસમાં જે મુખ્ય ષડયંત્રખોરો છે તેમની ધરપકડ કેમ નથી કરાતી?” કોળી સમાજમાં અન્યાયની લાગણી ઉગ્ર બની રહી છે, જેને પગલે સ્થાનિક સામાજિક વાતાવરણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. હાલ તંત્ર દ્વારા શાંતિ જાળવવાના પ્રયાસો ચાલુ છે.
