સુરત (Surat): હીરાનગરી સુરતમાં ઉત્તરાયણ (Uttarayan) નો તહેવાર અનેક પરિવારો માટે માતમ લઈને આવ્યો છે. 14મી જાન્યુઆરીના રોજ પતંગની જીવલેણ દોરી (Kite String) ને કારણે સર્જાયેલી અલગ-અલગ દુર્ઘટનાઓમાં કુલ 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના કારણે સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સૌથી હચમચાવી નાખતી ઘટના સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ (Bridge) પર બની હતી. 35 વર્ષીય રેહાન પોતાની પત્ની અને 7 વર્ષની પુત્રી આયેશા સાથે બાઈક પર પરત ફરી રહ્યા હતા. બ્રિજ પર અચાનક પતંગની દોરી આડી આવતા રેહાને સંતુલન (Balance) ગુમાવ્યું હતું અને બાઈક ડિવાઈડર સાથે અથડાતા ત્રણેય સભ્યો બ્રિજ પરથી નીચે ખાબક્યા હતા. આ ભયાનક અકસ્માતમાં પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે પત્ની ગંભીર હાલતમાં હોસ્પિટલ (Hospital) માં સારવાર હેઠળ છે.
બીજી ઘટનામાં, સુરતના વેસુ વિસ્તારમાં 23 વર્ષીય યુવક મોપેડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે લાલ ઘોડા પાસે પતંગની દોરી તેના ગળામાં ફસાઈ ગઈ હતી. ગળું કપાઈ જવાથી (Throat slit) વધુ પડતું લોહી વહેવાને કારણે યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા વારંવાર અપીલ (Appeal) કરવામાં આવી છે કે વાહન ચલાવતી વખતે ગળાની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ અથવા સ્કાર્ફનો ઉપયોગ કરવો અનિવાર્ય છે.
